હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલો પર મુકાશે તબક્કાવાર પ્રતિબંધ : સામાન્ય વહીવટ વિભાગનો મહત્વનો પરિપત્ર
પર્યાવરણની સુરક્ષા માટે હવે કાગળ, શણ અને કાપડની ઈકો-ફ્રેન્ડલી ફાઈલોનો ઉપયોગ કરવાનો આદેશ : હાલનો સ્ટોક પૂર્ણ થયા બાદ નવી ખરીદી પર્યાવરણલક્ષી નિયમો મુજબ થશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ટકાઉ અને પર્યાવરણલક્ષી કાર્યપ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, સચિવાલયના તમામ વિભાગો, ખાતાના વડાની કચેરીઓ તેમજ રાજ્યની તમામ સરકારી ઓફિસોમાં પ્લાસ્ટિકના ફોલ્ડર અને પ્લાસ્ટિક-આધારિત ફાઈલોના ઉપયોગને તબક્કાવાર ઘટાડીને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
ભારત સરકારના 'પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૯૬' અને 'પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬' અન્વયે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર નિયંત્રણ લાવવા ભાર મુકાઈ રહ્યો છે. પ્લાસ્ટિક કુદરતી રીતે નાશ પામતું ન હોવાથી (Non-biodegradable) તે પર્યાવરણને લાંબા ગાળાનું ભારે નુકસાન પહોંચાડે છે. 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત સરકારી કચેરીઓમાં દૈનિક કામગીરી દરમિયાન વપરાતી પ્લાસ્ટિક આધારિત સ્ટેશનરીનો ઘટાડો કરવો રાજ્ય સરકારની સક્રિય વિચારણા હેઠળ હતો.
આ નિર્ણયના ભાગરૂપે હવે રાજ્યની તમામ સરકારી કચેરીઓ, જાહેર સાહસો, બોર્ડ-નિગમો, મંડળો, કંપનીઓ, સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સરકારી યુનિવર્સિટીઓ તેમજ ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓમાં પ્લાસ્ટિકના બદલે કાગળ (Paper), શણ (Jute) અથવા કાપડમાંથી (Cloth) બનેલા ઈકો-ફ્રેન્ડલી ફાઈલ કવરનો જ ઉપયોગ કરવાનો રહેશે.
સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કચેરીઓમાં હાલમાં ઉપલબ્ધ પ્લાસ્ટિકનો સ્ટોક વપરાઈ જાય, તે પછી કરવામાં આવનારી તમામ નવી ખરીદી આ નવા પર્યાવરણીય નિયમો અને પહેલ મુજબ જ કરવાની રહેશે. સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ જગદીશ ગોહિલ દ્વારા રાજ્યપાલના આદેશથી આ મહત્વનો પરિપત્ર જારી કરીને તમામ સંબંધિત વિભાગો અને કચેરીઓને તેની કડક અમલવારી માટે સુચના આપી દેવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
