<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

સોનાના ભાવ ૫૫ ટકા અને ચાંદીના ભાવ બમણા છતાં રક્ષાબંધન પહેલાં દાગીના અને ગિફટની ખરીદીમાં તેજી

સિલ્‍વર રાખડી, સિક્કા, ઓછા કેરેટનું સોનું અને હળવા વજનના દાગીનાની માંગ વધી સિલ્‍વર રાખડીથી લઈને ૧.૫થી ૨ ગ્રામના સોનાના દાગીનાની પણ સારી ખરીદી


 

અમદાવાદ તા.૨૫: રક્ષાબંધન પહેલાં અમદાવાદના જ્‍વેલરી બજારમાં ખરીદીનો માહોલ છે. સોનાના ભાવ એક વર્ષ અગાઉની સરખામણીએ લગભગ ૫૫ ટકા અને ચાંદીના ભાવ બમણા કરતાં પણ વધુ હોવા છતાં ગ્રાહકો દાગીના અને ભેટની ખરીદી કરી રહ્યા છે. કિમતી ધાતુઓના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડાએ ખરીદદારોનો ઉત્‍સાહ વધાર્યો છે. ખાસ કરીને સિલ્‍વર રાખડી, સિક્કા, ઓછા કેરેટનું સોનું અને હળવા વજનના દાગીનાની માંગ વધી છે.

અમદાવાદમાં સોમવારે સોનાનો ભાવ ૧૦ ગ્રામે ૧.૭ લાખ રૂપિયા પહોંચ્‍યો હતો. ગયા વર્ષે રક્ષાબંધનના દિવસે સોનાનો ભાવ ૧૦ ગ્રામે ૧.૦૨ લાખ રૂપિયા હતો. બીજી તરફ ચાંદીનો ભાવ હાલ કિલોએ લગભગ ૨.૪૫ લાખ રૂપિયા છે, જ્‍યારે એક વર્ષ અગાઉ રક્ષાબંધન સમયે ચાંદી ૧.૧૭ લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. જોકે, સોના અને ચાંદી બંનેના ભાવ તેમના જાન્‍યુઆરીના ઉચ્‍ચતમ સ્‍તર કરતાં નીચે છે. સોનાનો ભાવ ૨૯ જાન્‍યુઆરીએ ૧૦ ગ્રામે ૧.૮૧ લાખ રૂપિયા સુધી પહોંચ્‍યો હતો. જ્‍યારે ચાંદીનો ભાવ કિલોએ ૩.૬૫ લાખ રૂપિયા સુધી પહોંચ્‍યો હતો. જ્‍વેલર્સ એસોસિયેશન ઓફ અમદાવાદના પ્રમુખ જિગર સોનીએ જણાવ્‍યું હતું કે, સોના-ચાંદીની રાખડી, સિક્કા અને ૫,૦૦૦ રૂપિયા સુધીની કિમતની ગિફટ વસ્‍તુઓની માંગ ખાસ કરીને મજબૂત છે. ગ્રાહકો હવે રક્ષાબંધનની ભેટ તરીકે જ્‍વેલરીને પણ વધુ પસંદ કરી રહ્યા છે.

જ્‍વેલરી ક્ષેત્રમાં ૯ કેરેટ અને ૧૪ કેરેટ સોનાની સાથે લેબ-ગ્રોન ડાયમંડની લોકપ્રિયતા વધી રહી છે. ૨ ગ્રામ સુધીની હળવા વજનની ચેઇન, વીંટી અને રોજિદા ઉપયોગના અન્‍ય દાગીનાની પણ સારી માંગ છે.

લેબ-ગ્રોન ડાયમંડ જ્‍વેલરી કંપનીના ડિરેક્‍ટર પરમ બેગાણીએ જણાવ્‍યું હતું કે યુવા ગ્રાહકોમાં ખાસ કરીને લેબ-ગ્રોન ડાયમંડ જ્‍વેલરીની માંગ વધી રહી છે. સોનાના ઊંચા ભાવ ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર લાવી રહ્યા છે. અમદાવાદના જ્‍વેલર આશિષ ઝવેરીએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાને લોકોને સોનું ખરીદવાનું ટાળવાની અપીલ કર્યા બાદ બજારમાં મંદી જોવા મળી હતી. હવે ભાવમાં ઘટાડો થયો હોવાથી માંગ સારી છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે ગ્રાહકોમાં ૨૨ કેરેટ સોનાની માંગ હજુ પણ છે, પરંતુ આવા ગ્રાહકોનો હિસ્‍સો નાનો છે. તેની સામે યુવાનોમાં ૯ કેરેટ સોનાની માંગ વધી રહી છે. જ્‍વેલર મનોજ સોનીએ જણાવ્‍યું હતું કે લગ્નસરાની ખરીદીમાં પણ હવે વધારો થવા લાગ્‍યો છે. શ્રાવણ માસ શરૂ થતાં જ્‍વેલર્સ દ્વારા આપવામાં આવતી ડિસ્‍કાઉન્‍ટની ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકો વધુ ખરીદી કરી રહ્યા છે. ૯ કેરેટ અને ૧૪ કેરેટ જ્‍વેલરી તરફનો વધતો ઝોક ગ્રાહકોને સોનાના ઊંચા ભાવ વચ્‍ચે પણ ઓછા વજનના દાગીના ખરીદવાની તક આપી રહ્યો છે. બીજી તરફ લગ્નસરાની ખરીદી મોંઘા અને વધુ કિમતના દાગીનાની માંગને હજુ પણ ટેકો આપી રહી છે. જ્‍વેલર દેવેશ સરકારે જણાવ્‍યું હતું કે ચાંદીની રાખડીની માંગ મજબૂત રહી છે. રક્ષાબંધન માટે ૧.૫ ગ્રામથી ૨ ગ્રામ વજનની સોનાની જ્‍વેલરીની માંગ પણ સંતોષકારક છે.

(3:32 PM IST)