<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

આસામના સહકાર મંત્રી કૌશિક રાયની ગાંધીનગર ખાતે ગુજરાતના સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે બેઠક

ગુજરાતમાં કુલ ૧૭ ખાંડ કારખાના કાર્યરત, જેમાંથી ૧૨ સહકારી:રાજ્યમાં શેરડીની કુલ પિલાણ ક્ષમતા ૭૩,૮૦૦ ટન/દિવસ અને ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા ૩૯૦ કિલો લીટર/દિવસ:૨૦૨૫-૨૬માં ૭૨.૦૬ લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણથી ૭.૬૬ લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન: શેરડીના ખેડૂતોને રૂ. ૩,૦૭૦ કરોડનું ચૂકવણું: રૂ. ૩,૫૫૦ના FRP સામે ગુજરાતની સહકારી મંડળીઓએ ખેડૂતોને રૂ. ૪,૫૦૦ પ્રતિ મેટ્રિક ટન જેટલા ઊંચા ભાવો ચૂકવ્યા

(અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર:ગુજરાતની મુલાકાતે પધારેલા આસામના સહકાર મંત્રી કૌશિક રાયના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગુજરાતના સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા સહકાર રાજ્ય મંત્રી  રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમિયાન રાજ્યના ખાંડ નિયામક દ્વારા ગુજરાતના સહકારી ખાંડ ક્ષેત્રની સફર, વર્તમાન ક્ષમતા અને નવીન પહેલો દર્શાવતું એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેડૂત-કેન્દ્રિત સહકારી મોડેલથી આસામનું પ્રતિનિધિમંડળ ખૂબ જ પ્રભાવિત થયું હતું.
આ બેઠકમાં સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૧૯૫૫માં બારડોલીથી શરૂ થયેલું સહકારી ચીની આંદોલન આજે ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ બન્યું છે. ખાંડ મિલોને માત્ર ઔદ્યોગિક એકમ ન ગણતા તેને ઈથેનોલ ઉત્પાદન, ગ્રીન એનર્જી અને ડિજિટલાઈઝેશન સાથે જોડીને નફાકારક બનાવવામાં આવી રહી છે.
હાલમાં ગુજરાતમાં કુલ ૧૭ ખાંડ કારખાના કાર્યરત છે, જેમાં ૧૨ સહકારી ખાંડ મંડળીઓ, ૦૩ ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા લીઝ પર લેવાયેલી મંડળીઓ અને ૦૨ ખાનગી ખાંડ કારખાનાનો સમાવેશ થાય છે. રાજ્યના સહકારી ખાંડ ક્ષેત્રની કુલ શેરડી પિલાણ ક્ષમતા ૭૩,૮૦૦ ટન પ્રતિ દિવસ અને ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા ૩૯૦ કિલો લીટર પ્રતિ દિવસ છે.
ગુજરાતમાં આશરે ૧.૨૫ લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીની ખેતી થાય છે, જેનાથી અંદાજે બે લાખથી વધુ ખેડૂત પરિવારો પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ૭૨.૦૬ લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ દ્વારા ૭.૬૬ લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. જેની સામે શેરડીના ખેડૂતોને રૂ. ૩,૦૭૦ કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. રાજ્યનો સરેરાશ રીકવરી દર પણ ૧૦.૬૪% રહ્યો છે.
શેરડી માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રૂ. ૩,૫૫૦ પ્રતિ મેટ્રિક ટનના ફેર એન્ડ રેમ્યુનિરેટિવ પ્રાઇઝ (FRP) સામે ગુજરાતની સહકારી મંડળીઓએ ખેડૂતોને રૂ. ૩,૯૦૦ થી રૂ. ૪,૫૦૦ પ્રતિ મેટ્રિક ટન જેટલા ઊંચા અને પ્રોત્સાહક ભાવો ચૂકવ્યા છે.
સહકારી ખાંડ મિલોને સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી સાકર યોજના, બાયો પ્રમોશન અને કેપિટલ સબસિડી જેવી વિશેષ સહાય યોજનાઓ અંગે પણ પ્રતિનિધિમંડળને માહિતી આપવામાં આવી હતી.
આસામના સહકાર મંત્રી કૌશિક રાયે ગુજરાતના સહકારી મોડેલ, પારદર્શી વહીવટ અને ખેડૂતોને આપાતા મહત્તમ ભાવોની સરાહના કરી હતી અને આસામમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત કરવા ગુજરાતના આ અનુભવોનો ઉપયોગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

(6:20 PM IST)