<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

હાઈવે પર ફિલ્મી ઢબે દ્રશ્યો સર્જાયા: સુરતમાં ₹૩૦ લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે પૂર્વ એર હોસ્ટેસ અને ટીવી આર્ટિસ્ટ ઝડપાઈ, મોડસ ઓપરેન્ડી સાંભળી પોલીસ દંગ

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર પલસાણા નજીકથી ૧ કિલો ડ્રગ્સ જપ્ત: પોલીસની બાજ નજર ટાળવા નાના બાળકોના ડાયપરમાં છુપાવ્યો હતો એમ.ડી. ડ્રગ્સનો મોટો જથ્થો.

સુરત : સુરત ક્રાઈમ બ્રાંચ અને સુરત રૂરલ એસ.ઓ.જી. (SOG) ની ટીમે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર આવેલા એના ગામના ટોલ નાકા પાસેથી મલેશિયન એરલાઈન્સની પૂર્વ એર હોસ્ટેસ અને ટીવી આર્ટિસ્ટ રહી ચૂકેલી મહિલાને તેના સાથીદાર સાથે ₹૩૦ લાખની કિંમતના ૧ કિલો એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડી છે. પોલીસ ચેકિંગથી બચવા માટે મહિલાએ જે અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી તેને જોઈને અનુભવી પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

 

મળતી વિગતો અનુસાર, સુરત ડીસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાઈ ચૂકેલી માનસી (ઉં.વ. ૪૧) નામની મહિલા અમદાવાદ તરફથી એક કારમાં મોટી માત્રામાં એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈને મુંબઈ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે પલસાણા તાલુકાના એના ગામ પાસે વોચ ગોઠવી હતી. બાતમી વાળી કાર આવતાં જ પોલીસે તેને કોર્ડન કરીને રોકી લીધી હતી. કારની તલાશી લેતાં અંદરથી નાના બાળકોના ઉપયોગમાં લેવાતા ડાયપરમાં અત્યંત ચાલાકીથી છુપાવેલું ૧ કિલો એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું.

 

પોલીસે ઘટનાસ્થળેથી જ માનસી તથા તેના સાથીદાર સોહેલ સુલેમાન શેખ (ઉં.વ. ૨૦) ની અટકાયત કરી ડ્રગ્સ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રોકડ રકમ કબજે કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે માનસી છેલ્લા ૧૦ વર્ષથી એમ.ડી. ડ્રગ્સની બંધાણી છે અને અગાઉ હરિયાણા, પંજાબ તથા દિલ્હીમાં સ્ટેજ આર્ટિસ્ટ તેમજ મલેશિયન એરલાઈન્સમાં એર હોસ્ટેસ તરીકે કામ કરી ચૂકી છે. વર્ષ ૨૦૨૧માં ઈન્દોર ક્રાઈમ બ્રાંચે પણ તેની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી, જ્યાં તે ચાર વર્ષ જેલમાં રહી હતી.

 

પોલીસ તપસામાં વધુમાં બહાર આવ્યું છે કે માનસી મોટા ભાગે ડ્રગ્સની હેરાફેરી માટે બાળકોના ડાયપરનો જ ઉપયોગ કરતી હતી. વડોદરાથી એક અજાણી મહિલા પાસેથી આ જથ્થો મેળવીને તેઓ મુંબઈ કોને ડિલિવરી આપવા જઈ રહ્યા હતા, તે અંગે પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

(8:08 PM IST)