<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ગુજરાતમાં ઘાસચારો, સિંચાઈનું પાણી, ખાંડ અને વીજળીના મુદ્દે સરકારનો મોટો નિર્ણય : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાક બચાવવા નર્મદાનું પાણી છોડાશે : ૭ જિલ્લામાં ખેડૂતોને રોજના ૧૦ કલાક વીજળી આપવાનો પ્રારંભ : ૨ રૂપિયે કિલોના ભાવે ૧૬ લાખ કિલો ઘાસચારાનું વિતરણ કરાયું

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર:રાજ્યમાં ઘાસચારાની ઉપલબ્ધતા, ખાંડ પુરવઠો, સિંચાઈનું પાણી અને ખેતીવાડી વીજળીના મહત્વના મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને સરકાર દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વરસાદની ઘટની સ્થિતિમાં રાજ્ય સરકાર પશુપાલકો અને ખેડૂતોની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.

પશુધનની સુરક્ષા અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના ૩૦૧ ગામોના ૯૦,૦૦૦ જેટલા પશુઓ સુધી અત્યાર સુધીમાં ૧૬ લાખ કિલો ઘાસચારાનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું છે. પશુપાલકો પર આર્થિક બોજ ન પડે તે માટે માત્ર રૂ. ૨ પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો પૂરો પાડવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ઘાસચારાની કોઈ અછત નથી અને વન વિભાગ પાસે હજુ પણ ૩૬૧ લાખ કિલો ઘાસચારો રિઝર્વ પડ્યો છે. સ્થાનિક જરૂરિયાત મુજબ ત્વરિત પગલાં લેવા માટે તમામ જિલ્લા કલેક્ટરોને અધિકૃત કરી દેવામાં આવ્યા છે.

સિંચાઈ અને પીવાના પાણીની સ્થિતિ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના મારફતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નર્મદા આધારિત પાઈપલાઈન નેટવર્કથી જોડાયેલા તળાવો અને ડેમોમાં પાણી આપવાની કામગીરી પૂર્ણ ઝડપે શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂતોનો ઊભો પાક સુકાતો બચાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી પાણી પુરવઠો સતત શરૂ રખાશે. આણંદ અને ખેડા જિલ્લામાં કડાણા ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનો નિર્ણય કરાયો છે, જ્યારે મહી કમાન્ડ વિસ્તારમાં પરિયેજ અને કનેવાલ તળાવમાં પીવાનું પાણી નિયમિત પહોંચાડવામાં આવી રહ્યું છે.

વીજ પુરવઠા અંગે તેમણે જાહેરાત કરી હતી કે રાજ્યમાં ખેતીવાડી માટે હાલમાં રોજના ૮ કલાક નિયમિત વીજળી આપવામાં આવી રહી છે. જોકે, અમરેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ એમ ૭ જિલ્લાઓમાં સ્થાનિક જરૂરિયાતને ધ્યાને રાખીને ૧૦ કલાક વીજળી આપવાનું શરૂ કરી દેવાયું છે. અન્ય કોઈ પણ જિલ્લામાં જરૂરિયાત ઊભી થશે તો ત્યાં પણ ૧૦ કલાક વીજળી આપવા સરકાર તૈયાર છે.

ખાંડની ઉપલબ્ધતા અને ભાવો વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, રાજ્યની ૧૭ ખાંડ મિલો પાસે હાલ ૧૮ લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી ૧૫ ઓક્ટોબર પછી મિલોમાં નવું ઉત્પાદન શરૂ થતાં જથ્થો હજુ વધશે. રાજ્યમાં મોલાસિસમાંથી જ ઇથેનોલ બનાવાય છે, શેરડીમાંથી સીધું ઇથેનોલ બનાવાતું નથી. સરકારના વિશેષ પ્રયત્નોના પરિણામે ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹૬૫૦૦ થી ઘટીને ₹૬૦૦૦ થી નીચે આવી ગયા છે અને આગામી સમયમાં બજારમાં ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રિત થશે.

(9:05 PM IST)