હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ટ્રેનમાં હતા સવાર
સુરત પાસે બનેલી ચકચારભરી ઘટનામાં હાઇ-સ્પીડ ટ્રેનના કાચ તૂટ્યા : રેલ્વે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ: માનસિક અસ્થિર શંકાસ્પદ ઈસમની ધરપકડ કરવામાં આવી

સુરત : મુંબઈથી અમદાવાદ તરફ પૂરપાટ ઝડપે દોડી રહેલી દેશની પ્રીમિયમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર સુરત નજીક આવેલા ઉત્રાણ રેલ્વે સ્ટેશન પાસે અચાનક પથ્થરમારો થતાં ભારે સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓના કાન સરવા કરી દીધા હતા, કારણ કે જે સમયે આ અચાનક હુમલો થયો તે જ સમયે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ તે જ ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. પથ્થરમારાના કારણે ટ્રેનના સી-૬ અને સી-૧૦ જેવા કોચની બારીઓના કાચમાં મોટી તિરાડો પડી ગઈ હતી, પરંતુ સદનસીબે કોઈ મુસાફર કે વીઆઈપીને ઈજા પહોંચી નહોતી.
બનાવની જાણ થતાં જ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સ્થાનિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાઇ-પ્રોફાઇલ મુસાફર ટ્રેનમાં હાજર હોવાથી રેલ્વે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો તથા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને પોલીસે ગણતરીના કલાકોમાં જ પથ્થરમારો કરનાર એક શંકાસ્પદ ઈસમની અટકાયત કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી માનસિક રીતે અસ્થિર હાલતમાં છે.
ટ્રેન પોતાના નિયત સમયે સુરત સ્ટેશનથી રવાના થઈને આગળ વધતી હતી ત્યારે જ ઉત્રાણ સ્ટેશન નજીક આ બનાવ બન્યો હતો. રેલ્વે સુરક્ષા દળે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે કે આ માત્ર એક માનસિક અસ્થિર વ્યક્તિનું અટકચાળું હતું કે પછી સુરક્ષામાં કોઈ મોટો ભંગ થયો છે. આ ઘટના બાદ સુરતથી અમદાવાદ વચ્ચેના સમગ્ર રેલ્વે ટ્રેક પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને ટ્રેનને સુરક્ષિત રીતે આગળના ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
