હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માઉન્ટ આબુમાં ઊંઝાના એક પરિવારની સમયસૂચકતાએ વેઈટરને નવજીવન આપ્યું
હોટલમાં નાસ્તો આપવા આવેલા વેઈટરને અચાનક હાર્ટ એટેક આવતા તે જમીન પર ઢળી પડ્યો:સ્થિતિ ગંભીર બનતા વિષ્ણુભાઈ પટેલ અને તેમના પુત્ર જય પટેલે તાત્કાલિક CPR અને માઉથ-ટુ-માઉથ બ્રિધિંગ શરૂ કર્યું તેમની ઝડપી પ્રાથમિક સારવારથી વેઈટરના જીવ બચાવવામાં સફળતા મળી .

અમદાવાદ : સમયસર મળતી પ્રાથમિક સારવાર કોઈનો પણ જીવ બચાવી શકે છે. આવો જ એક પ્રેરણાદાયક કિસ્સો રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાંથી સામે આવ્યો છે. અહીં ફરવા ગયેલા ગુજરાતના ઊંઝાના એક પરિવારે ગભરાયા વિના પોતાની અદભુત સમયસૂચકતાથી એક વેઈટરને મોતના મુખમાંથી પાછો ખેંચી લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઊંઝાના અગ્રણી અને પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ તેમના પરિવાર સાથે માઉન્ટ આબુની એક હોટલમાં રોકાયા હતા. સવારના સમયે એક વેઈટર તેમને નાસ્તો આપવા માટે આવ્યો હતો. આ દરમિયાન અચાનક જ વેઈટરને હાર્ટ એટેક આવતા તે બેભાન થઈને સીધો જમીન પર પટકાયો હતો. નીચે પડવાના કારણે તેનું માથું ફાટી ગયું હતું અને તેમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
આ ભયાનક દ્રશ્ય જોઈને સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ડરી જાય, પરંતુ વિષ્ણુભાઈ પટેલ અને તેમના પરિવારે હિંમત હારી નહીં. પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક વેઈટરની છાતી પર પમ્પિંગ (CPR) કરવાનું શરૂ કર્યું. આ કપરા સમયે તેમના પુત્ર જય પટેલે પણ પિતાનો સાથ આપ્યો અને વેઈટરને માઉથ-ટુ-માઉથ બ્રિધિંગ આપવાનું શરૂ કર્યું.
પિતા-પુત્રની આ ત્વરિત અને યોગ્ય પ્રાથમિક સારવાર રંગ લાવી અને શ્વાસ છોડી રહેલા વેઈટરમાં ફરીથી જીવ આવ્યો હતો. તેમની આ સમયસૂચકતાના કારણે વેઈટરને નવજીવન મળ્યું હતું. પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલતમાં રહેલા આ વેઈટરને વધુ અને સઘન સારવાર માટે તાત્કાલિક પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકો ઊંઝાના આ પરિવારની હિંમત અને માનવતાભર્યા કાર્યની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ ઘટના સાબિત કરે છે કે જો દરેક વ્યક્તિને CPR આપવાનું સામાન્ય જ્ઞાન હોય, તો કટોકટીના સમયે અનેક લોકોના જીવ બચાવી શકાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
