News of Wednesday, 26th August 2026
રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાજ્યની માતા-બહેનોને ભેટ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી ૧૦૧ નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરી કરાવ્યું પ્રસ્થાન
રક્ષાબંધન દરમિયાન મુસાફરોની સુવિધા માટે રાજ્યભરમાં ૨૬ થી ૩૦ ઑગસ્ટ દરમિયાન ૬,૫૦૦ એક્સ્ટ્રા બસોનું કરાશે સંચાલન : એસ.ટી. નિગમની મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રીને બાંધી રાખડી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાજ્યની માતા-બહેનોને શ્રેષ્ઠ પરિવહન સુવિધાની ભેટ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા ૧૦૧ નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તમામ નવીન બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન એસ.ટી. નિગમની મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને ઓપરેશન સ્ટાફ રાજ્યની માતા-બહેનો પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે ૨૪x૭ અવિરત સેવાઓ આપીને ઉજવણીનું બલિદાન આપતા હોય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસ.ટી. નિગમના સૌ કર્મચારીઓની આ કર્તવ્યનિષ્ઠા બદલ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા અને બસનું નિરીક્ષણ કર્યું હતું.
લોકાર્પિત કરાયેલી ૧૦૧ નવીન બસોમાં ૭૧ સુપર એક્સપ્રેસ, ૨૦ મિડી અને ૧૦ સ્લીપર કોચનો સમાવેશ થાય છે, જે તમામ બસો રક્ષાબંધનના વિશેષ સંચાલનમાં પણ જોડાશે.
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિઝનરી પહેલ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર દ્વારા નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે સુવિધાજનક અને આરામદાયક પરિવહન સુનિશ્ચિત કરવા ૧૦૧ બસો લોકાર્પિત કરાઈ છે. રક્ષાબંધનને ધ્યાનમાં રાખી નવા રૂટ પર વિશેષ બસ સેવાઓ શરૂ કરાતાં નાગરિકોની મુસાફરી વધુ સરળ બનશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૨૬ થી ૩૦ ઑગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ ૬,૫૦૦ જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મુખ્ય શહેરો અને અંબાજી, પાવાગઢ તથા સોમનાથ જેવા પ્રમુખ તીર્થધામોના રૂટ પર વિશેષ બસો દોડાવવાનું સઘન આયોજન કરાયું છે. મુસાફરોની સરળતા માટે ઓનલાઈન તેમજ ડેપો પર ઍડવાન્સ બુકિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન નિગમ દ્વારા ૬,૪૦૨ વધારાની ટ્રીપો દોડાવીને ૩.૩૩ લાખ મુસાફરોને સફળતાપૂર્વક સેવા આપવામાં આવી હતી. આ વર્ષે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા સંચાલન વ્યાપક બનાવી ૬,૫૦૦ એકસ્ટ્રા ટ્રીપનું આયોજન કરાયું છે. એસ.ટી. નિગમ દ્વારા જાહેર જનતાને આ વિશેષ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડા, મંત્રી જયરામ ગામીત, ગાંધીનગર મેયર શ્રીમતી મીરા પટેલ, ગાંધીનગર (દક્ષિણ) ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર સહિત એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
