<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

રાજપીપળા શહેર હિંદુ દેવસ્થાન સમિતિના નવા ટ્રસ્ટીઓની નિમણૂક સામે યુવરાજ માનવેન્દ્રસિંહનો વિરોધ

રાજપરિવારના વારસદારો તથા સંબંધિત હિતધારકો સાથે કોઈ યોગ્ય પરામર્શ કર્યા વિના સરકાર દ્વારા નવી હિંદુ દેવસ્થાન સમિતિની રચના કરવામાં આવી છે:રાજપીપળાના દેવસ્થાનો કોઈ સામાન્ય વહીવટી મિલકત નથી.તે અમારા પૂર્વજોની અમૂલ્ય ધરોહર અને રાજપીપળાની ઐતિહાસિક ઓળખનો અભિન્ન હિસ્સો છે: યુવરાજ માનવેન્દ્રસિંહ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેર હિંદુ દેવસ્થાન સમિતિના નવા ટ્રસ્ટીઓની નિમણૂક ઘણા વર્ષો બાદ સરકારે કરી છે.આ નવા ટ્રસ્ટીમાં રાજપીપળા સ્ટેટના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલનુ પણ નામ છે ત્યારે હવે ખુદ યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે જ નવી નિમણૂકનો વિરોધ જિલ્લા કલેક્ટર સમક્ષ નોંધાવ્યો છે.
   યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે નર્મદા કલેક્ટરને પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે રાજપીપળાના ઐતિહાસિક હિંદુ દેવસ્થાનો માત્ર ધાર્મિક સ્થળો નથી, પરંતુ રાજપીપળાના રાજપરિવાર અને અમારા પૂર્વજોની આસ્થા, પરંપરા તથા અમૂલ્ય વારસો છે.ખાસ કરીને હરસિધ્ધિ માતા મંદિર તથા અન્ય ઐતિહાસિક દેવસ્થાનો સાથે રાજપરિવારની પરંપરાગત અને વારસાગત જવાબદારી જોડાયેલી છે.
  રાજપરિવારના વારસદારો તથા સંબંધિત હિતધારકો સાથે કોઈ યોગ્ય પરામર્શ કર્યા વિના સરકાર દ્વારા નવી હિંદુ દેવસ્થાન સમિતિની રચના કરવામાં આવી છે.આ નિર્ણય સામે અમે સખત અને સ્પષ્ટ વાંધો નોંધાવીએ છીએ.અમારા પૂર્વજોની પરંપરા અને વારસાને ધ્યાનમાં લીધા વિના દેવસ્થાનોના વહીવટ અંગે એકતરફી નિર્ણય લેવો અમને સ્વીકાર્ય નથી.આ અંગે અગાઉ ઈ-મેઈલ દ્વારા પણ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ આજ દિન સુધી તેનો કોઈ પ્રત્યુત્તર પ્રાપ્ત થયો નથી.તાજેતરમાં રચાયેલી હિંદુ દેવસ્થાન સમિતિની રચના તાત્કાલિક રદ/સ્થગિત કરવામાં આવે જયાં સુધી આનો ઉકેલ ન આવે ત્યાં સુધી નવા નામોનું લિસ્ટ તાત્કાલિક કઢાવવામાં આવે.રાજપરિવારના વારસદારોની રજૂઆત સાંભળ્યા વિના આ બાબતે કોઈ અંતિમ નિર્ણય લેવામાં ન આવે.હરસિધ્ધિ માતા મંદિર સહિત તમામ સંબંધિત ઐતિહાસિક દેવસ્થાનોની પરંપરા, વારસો અને ધાર્મિક મહત્તાને ધ્યાનમાં રાખીને જ ભવિષ્યની વ્યવસ્થા નક્કી કરવામાં આવે.
  રાજપીપળાના દેવસ્થાનો કોઈ સામાન્ય વહીવટી મિલકત નથી.તે અમારા પૂર્વજોની અમૂલ્ય ધરોહર અને રાજપીપળાની ઐતિહાસિક ઓળખનો અભિન્ન હિસ્સો છે.તેથી આ બાબતે યોગ્ય, પારદર્શક અને પરંપરાનું સન્માન જાળવીને નિર્ણય લેવામાં આવે તેવી અમારી અપેક્ષા છે

(10:27 PM IST)