News of Thursday, 27th August 2026
રક્ષાબંધન પર્વ નિમિત્તે રાજ્યના ૧૪ મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ભેટ : વિકાસ કામો માટે કુલ ₹૨૮ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ
શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મહિલા જનપ્રતિનિધિઓને પ્રત્યેકને ₹૨ કરોડની રકમ અપાશે : મતવિસ્તારોમાં રોડ રસ્તાના માળખાકીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરીને મળશે વેગ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યો માટે એક મહત્વપૂર્ણ અને જનહિતલક્ષી નિર્ણય કરીને વિકાસલક્ષી ભેટ આપી છે. રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા મહિલા જનપ્રતિનિધિઓના મતવિસ્તારોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામોને વધુ સુદ્રઢ બનાવવા માટે મુખ્યમંત્રી દ્વારા કુલ રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે.
આ નિર્ણય અનુસાર, રાજ્ય વિધાનસભામાં જનપ્રતિનિધિત્વ કરતાં શહેરી ક્ષેત્રના ૯ અને ગ્રામ્ય વિસ્તારના ૫ મળીને કુલ ૧૪ મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને રૂ. ૨ કરોડની ખાસ વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
મહિલા ધારાસભ્યોને ફાળવવામાં આવનારી આ વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મત વિસ્તારની રોડ-રસ્તાની માળખાકીય સુવિધાઓની પ્રાથમિક જરૂરિયાતોને અનુરૂપ વિવિધ વિકાસલક્ષી કામો હાથ ધરવા માટે કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આ વિશેષ અભિગમના પરિણામે સંબંધિત મહિલા ધારાસભ્યોના મત ક્ષેત્રોમાં રોડ કનેક્ટિવિટી વધુ સરળ અને મજબૂત બનશે તેમજ સ્થાનિક નાગરિકોને મોટી સુવિધા પ્રાપ્ત થશે.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
