News of Thursday, 27th August 2026
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રક્ષાબંધનની કરી ઉજવણી
લોકભવનનું વાતાવરણ બહેનોના સ્નેહ, આનંદ અને પવિત્ર ભાવનાઓથી ગુંજી ઊઠ્યું:મુખ્યમંત્રીએ દિવ્યાંગ અને બ્રહ્માકુમારીની બહેનો તેમજ ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષા દોશીએ રાખડી બાંધીને આશીર્વાદ પાઠવ્યા

ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રક્ષાબંધનના પર્વ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રની બહેનોએ ઉપસ્થિત રહીને રાખડી બાંધીને તેમના સદાસર્વદા ક્ષેમકુશળતા અને દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી. લોકભવનનું વાતાવરણ બહેનોના સ્નેહ, આનંદ અને પવિત્ર ભાવનાઓથી ગુંજી ઊઠ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મુખ્યમંત્રી પહેલાં બહેનો પાસેથી રાખડી બંધાવી હતી. અમરેલી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી DyCM હર્ષ સંઘવીએ સમયસર રાખડી બંધાવીને બહેનોને લાગણીસભર સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બહેનો હંમેશા પોતાની પહેલાં ભાઈની ચિંતા કરે છે, ભાઈની કોઈ પણ તકલીફમાં બહેન હંમેશા તેની પડખે અડીખમ ઊભી રહે છે અને બહેનની લાગણીઓ હંમેશા અમાપ હોય છે.
ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરી હતી. મુખ્યમંત્રીએ દિવ્યાંગ અને બ્રહ્માકુમારીની બહેનો તેમજ ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષા દોશીએ રાખડી બાંધીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે જ મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય રીટા પટેલ, પૂર્વ મંત્રી નિમિષા સુથાર અને નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી સહિત અનેક મહિલા અગ્રણીઓએ પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રાખડી બાંધીને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
