<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

સુરતના પુણા વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો : કારખાને ભાઈ બીમાર હોવાનું બહાનું કાઢી ત્રણ સગીરા સહીત ચાર યુવતીઓ ગુમ

-15 અને 17 વર્ષની બે સગી બહેનો ભાઈ બીમાર હોવાનું કહી કારખાનેથી રૂ. 1,000નો ઉપાડ લીધા બાદ અન્ય બે સાથીઓ સાથે રહસ્યમય રીતે ગુમ થઈ જતાં ભારે ચકચાર

સુરત શહેરના પુણા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારની અને સગા સંબંધી એવી 4 યુવતીઓ રહસ્યમય રીતે એકસાથે ગુમ થઈ ગઈ છે. પુણા ગામ ખાતે આવેલા કાપડના કારખાનામાં કામ કરતી આ યુવતીઓ સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. આ અંગે પરિવારે તુરંત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે યુવતીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

સુરતના પુણાગામમાં કાપડના કારખાનામાં કામ કરતી 15 અને 17 વર્ષની બે સગી બહેનો ભાઈ બીમાર હોવાનું કહી કારખાનેથી રૂ. 1,000નો ઉપાડ લીધા બાદ અન્ય બે સાથીઓ સાથે રહસ્યમય રીતે ગુમ થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. ભણવાની ઉંમરે સગીરાઓ પાસે મજૂરી કરાવવાની આ ઘટના સામે આવ્યા બાદ સગીર હોવા છતાં તેઓને નોકરીએ રાખવા બદલ કારખાનેદારની ભૂમિકા સામે સૌથી મોટો સવાલ ઊભો થયો છે, જેને પગલે પોલીસે કારખાનેદાર સામે તપાસનો દોર લંબાવીને ચારેય ગુમ થનારની શોધખોળ હાથ ધરી છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ગુમ થયેલી 4 યુવતીઓ પૈકી 3 સગીર વયની છે, જ્યારે 1 યુવતી 23 વર્ષની તેમની સગી સંબંધી છે. સગીર બહેનો પૈકી 15 અને 17 વર્ષની બે સગી બહેનો પુણા ગામના કાપડના કારખાનામાં મજૂરી કામ કરતી હતી. ઘટનાના દિવસે આ બહેનોએ કારખાનેદાર પાસે પોતાનો ભાઈ બીમાર હોવાનું બહાનું બતાવ્યું હતું અને 1 હજાર રૂપિયાનો ઉપાડ માગ્યો હતો. કારખાનેદારે પણ સગીરાઓની પરિસ્થિતિ ચકાસ્યા વગર તુરંત 1 હજાર રૂપિયા આપ્યા હતા, જે રકમ લઈને ચારેય યુવતીઓ કારખાનેથી નીકળી ગઈ હતી.

આ સમગ્ર મામલામાં બાળમજૂરીનો ગંભીર મુદ્દો પણ સામે આવ્યો છે. જે ઉંમરે સગીરાઓએ શાળાએ જઈ ભણતર મેળવવું જોઈએ, તે ઉંમરે તેમને કારખાનામાં કામે રાખી દેવામાં આવી હતી. બાળમજૂરી કરાવનાર અને સગીરાઓની સ્થિતિનો યોગ્ય તાગ મેળવ્યા વગર નાણાં આપનાર કારખાનેદાર સામે પણ કાનૂની સવાલો ઊભા થઈ રહ્યા છે. મોડી સાંજ સુધી ચારેયમાંથી કોઈ ઘરે પરત ન ફરતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ પત્તો ન મળતાં આખરે પોલીસની મદદ લેવામાં આવી હતી.

પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વિસ્તારના તમામ CCTV ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને ટ્રેકિંગ હાથ ધરતાં આ સગીરાઓ નાના વરાછા ચોપાટી (કાપોદ્રા ચોપાટી) નજીકથી પસાર થતી હોવાના CCTV ફૂટેજ મળી આવ્યા છે. ચોપાટી તરફ જતી દેખાયા બાદ આ બહેનો ક્યાં ગઈ તેની કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. હાલ પોલીસ CCTV અને સ્થાનિક બાતમીદારોની મદદથી આ ચારેય યુવતીઓને સલામત રીતે શોધી કાઢવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.

(1:19 PM IST)