News of Thursday, 27th August 2026
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે રાહતના સમાચાર : દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજનાની મુદત ૩૧ જાન્યુઆરી ૨૦૨૭ સુધી લંબાવાઈ
પ્રથમ તબક્કામાં ૨,૯૮૮ લાભાર્થીઓએ ₹૧૦.૫૭ કરોડની મુદલ રકમ ચૂકવી ₹૩૯.૫૧ કરોડની માતબર વ્યાજમાફી મેળવી : તમામ લાભાર્થીઓને લોનમુક્તિ પ્રમાણપત્ર એનાયત કરાયા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની ભાડા-ખરીદ પદ્ધતિથી નિર્મિત વિવિધ આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત EWS, LIG, MIG, હરીફાઈ (કોમ્પોઝિટ) અને કેશલોન આવાસોના લાભાર્થીઓ માટે મૂળ હપ્તાની બાકી રકમ પર ચડેલા દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફી આપવાની યોજનાની મુદત આગામી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૭ સુધી લંબાવી આપવામાં આવી છે.
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આ યોજનાના પ્રથમ તબક્કા અંતર્ગત જિલ્લા કક્ષાએ કુલ ૨૨ વસૂલાત કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પોના સફળ માધ્યમથી કુલ ૨,૯૮૮ લાભાર્થીઓએ પોતાની મૂળ હપ્તાની બાકી મુદલ રકમ પેટે રૂ. ૧૦.૫૭ કરોડની ચુકવણી કરી હતી. જેના પરિણામે આ તમામ લાભાર્થીઓને કુલ રૂ. ૩૯.૫૧ કરોડ જેટલી માતબર રકમની દંડનીય વ્યાજમાફીનો સીધો લાભ મળ્યો છે અને બોર્ડ દ્વારા તે તમામ લાભાર્થીઓને લોનમુક્તિ પ્રમાણપત્ર પણ એનાયત કરી દેવામાં આવ્યા છે.
નાગરિકો અને બાકી રહી ગયેલા લાભાર્થીઓની સગવડતા અને હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ ૧૦૦ ટકા દંડનીય વ્યાજમાફી યોજના લંબાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા તમામ સંબંધિત આવાસ યોજનાના લાભાર્થીઓને તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં આ યોજનાનો મહત્તમ લાભ લેવા અને પોતાની બાકી રકમ ભરપાઈ કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
