News of Thursday, 27th August 2026
ગાંધીનગરના ‘લોકભવન’ ખાતે રક્ષાબંધનની ભાવસભર ઉજવણી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિવિધ સમાજની બહેનો-દીકરીઓએ રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુની મંગલકામના કરી
નારીશક્તિના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહિલા ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે ગાંધીનગર સ્થિત ‘લોકભવન’ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્નેહ અને સુરક્ષાના પ્રતીક સમાન રક્ષાબંધન કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ અને ભાવસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યની સમગ્ર નારીશક્તિના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટેની પોતાની કટિબદ્ધતા દોહરાવી હતી.
આયોજિત વિશેષ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલી વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંગઠનો, બ્રહ્માકુમારીઝ અને દિવ્યાંગ બહેનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રાખડી બાંધીને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ રાખડી બાંધવા આવેલી તમામ બહેનો-દીકરીઓનું આત્મીયતાપૂર્વક સ્વાગત કરીને તેમની શુભેચ્છાઓ સ્વહર્ષ સ્વીકારી હતી.
આ ભાવસભર ઉજવણી દરમિયાન શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, અમદાવાદના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય સર્વે શ્રીમતી રીટાબેન પટેલ, શ્રીમતી નિમિષાબેન સુથાર, શ્રીમતી પાયલબેન કુકરાણી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી તેમજ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી અંજુબેન વેકરીયા સહિત અનેક મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોની હાજરીથી સમગ્ર ‘લોકભવન’ પરિસર સ્નેહ, હૂંફ અને બંધુતાના રંગે રંગાયું હતું.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
