<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી એક્શનમાં: મહેસાણા જિલ્લાના ભૂસ્તર અધિકારીની તાત્કાલિક અસરથી અમરેલી બદલી

મુખ્યમંત્રીએ ફરિયાદોના નિરાકરણને લઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી: ગૌચર જમીન સાથે જોડાયેલા ગંભીર મુદ્દે પણ તંત્રને સ્પષ્ટ સૂચના અપાઈ

અમેરિકા-કેનેડા પ્રવાસથી પરત ફર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇનમાં મળેલી ફરિયાદોના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ભૂસ્તર અધિકારીની બદલીના આદેશ પણ મુખ્યમંત્રીએ કર્યા છે.

 

મહેસાણા જિલ્લાના ભૂસ્તર અધિકારીની તાત્કાલિક અસરથી મહેસાણાથી અમરેલી બદલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં મળેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

 

મહેસાણા જિલ્લાના કડા ગામમાં ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખનન અંગે ફરિયાદ મળી હતી. આ મામલે મુખ્યમંત્રીએ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ગૌચર જમીનનું રક્ષણ થાય અને ગેરકાયદે ખનન સામે જવાબદારી નક્કી થાય તે દિશામાં તંત્રને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

 

બીજી તરફ પાટણ જિલ્લામાં આવાસ યોજનાના મકાનો ભાડે આપવાના મુદ્દે પણ ફરિયાદ સામે આવી છે. આ મામલે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. સરકારી આવાસ યોજનાના મકાનોનો યોગ્ય લાભાર્થીઓ માટે ઉપયોગ થાય છે કે નહીં અને નિયમોનું પાલન થયું છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે.મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇનમાં મળતી ફરિયાદો પર સરકાર દ્વારા સીધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રવાસથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓ સામે લેવામાં આવેલા આ નિર્ણયો તંત્રમાં જવાબદારી અને કામગીરી અંગેનો કડક સંદેશ માનવામાં આવી રહ્યા છે.

(9:57 PM IST)