<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

નેપાળમાં પૂરની સ્થિતિ વચ્ચે સુરતના ચાર યાત્રાળુઓને લઈને ચિંતા હળવી:ધાર્મિક દર્શન અને પ્રવાસ માટે ચારેય કાઠમંડુમાં રોકાયા હતા.

ચારેય યાત્રાળુઓએ પરિવાર સાથે વિડિયો કોલ દ્વારા વાતચીત કરી :ચારેય સલામત હોવાની જાણ થતાં પરિવારજનોને રાહત : ચારેય યાત્રાળુઓ હવે પોખરા જવા માટે રવાના

નેપાળમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે સુરતના ચાર યાત્રાળુઓ સલામત હોવાની માહિતી સામે આવી છે. બારડોલીના કણાઈ ગામના ચારેય યાત્રાળુઓ 22 ઓગસ્ટે ટ્રેન મારફતે નેપાળ પ્રવાસે ગયા હતા. તેઓ ધાર્મિક દર્શન અને પ્રવાસ માટે 15 દિવસના આયોજન સાથે નેપાળ પહોંચ્યા હતા.

કણાઈ ગામના ચારેય યાત્રાળુઓ નેપાળમાં પશુપતિનાથ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. નેપાળના કેટલાક વિસ્તારોમાં પૂર અને ભારે વરસાદના સમાચાર મળતાં તેઓ કાઠમંડુમાં જ રોકાઈ ગયા હતા.

નેપાળમાં હવામાન અને પૂર જેવી સ્થિતિના સમાચાર સામે આવતા પરિવારજનોમાં પણ ચિંતા પ્રસરી હતી. જોકે ચારેય યાત્રાળુઓએ પરિવાર સાથે વિડિયો કોલ દ્વારા વાત કરી હતી. ચારેય સલામત હોવાની જાણ થતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કાઠમંડુમાં સ્થિતિ અંગે માહિતી મેળવ્યા બાદ ચારેય યાત્રાળુઓ હવે પોખરા જવા માટે રવાના થયા છે. તેઓ 15 દિવસના પ્રવાસે ગયા હોવાથી આગામી દિવસોમાં નેપાળના અન્ય સ્થળોની મુલાકાત લેવાનું આયોજન હતું.

નેપાળમાં પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાતના અન્ય લોકો અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે, ત્યારે સુરતના બારડોલીના ચાર યાત્રાળુઓ સુરક્ષિત હોવાની માહિતીથી તેમના પરિવારજનોને મોટી રાહત મળી છે. હાલ ચારેય પોખરા તરફ આગળ વધી રહ્યા છે અને પરિવાર સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.

(11:31 PM IST)