તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
‘ડોક્ટર' નીકળ્યો ૧૦મું પાસઃ નકલી ડિગ્રીથી વર્ષો સુધી કરતો રહ્યો સારવાર
માન્ય મેડિકલ ડિગ્રી અથવા રજિસ્ટ્રેશન વિના ‘પ્રમિલા ક્લિનિક' ચલાવવાનો આરોપ : ક્લિનિકમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હતા અને તે શહેરના કેટલાક અસલી ડોક્ટરો કરતાં પણ વધુ કમાણી કરતો હતો

વડોદરા,તા.૨૮: વડોદરાના એક પોશ વિસ્તારમાં લગભગ ૧૫ વર્ષ સુધી લોકો સારવાર માટે એક ક્લિનિકમાં જતા અને તેમને લાગતું રહ્યું કે ત્યાં કોઈ ડોક્ટર દર્દીઓની સારવાર કરી રહ્યો છે, પરંતુ હવે પોલીસનું કહેવું છે કે પ્રિસ્ક્રિપ્શન લખનાર આ વ્યક્તિએ માત્ર ધોરણ ૧૦ સુધી જ અભ્યાસ કર્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર બિશ્વજિત પ્રફુલ્લ હલદરના નકલી ડોક્ટર બનવાનું રહસ્ય ત્યારે બહાર આવવા લાગ્યું જ્યારે કેટલાક દર્દીઓને શંકા થઈ કે તેના દ્વારા આપવામાં આવેલી દવાઓ અસર કરતી નથી. ધીમે-ધીમે લોકોમાં આ અંગે ચર્ચા શરૂ થઈ અને પોલીસને જાણ કરવામાં આવી. ત્યાર બાદ બુધવારે પોલીસે ૪૫ વર્ષીય હલદરના ક્લિનિક પર દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. તેના પર કોઈ માન્ય મેડિકલ ડિગ્રી અથવા રજિસ્ટ્રેશન વિના ‘પ્રમિલા ક્લિનિક' ચલાવવાનો આરોપ છે.
વડોદરા સિટી પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), ઝોન-૨એ મેડિકલ અધિકારીની હાજરીમાં આ કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ક્લિનિકમાં સામાન્ય વિસ્તારના ક્લિનિકની જેમ સારવાર સંબંધિત તમામ વ્યવસ્થા હતી. આરોપ છે કે હલદર ત્યાં એલોપેથિક દવાઓ લખતો હતો, દર્દીઓને ઈન્જેક્શન આપતો હતો અને બવાસીર (પાઈલ્સ/હેમોરોઇડ્સ) માટે ચીપિયા જેવાં સાધનો વડે ‘ઓપરેશન' પણ કરતો હતો.
પોલીસે ક્લિનિકમાંથી આશરે ૪૧,૦૦૦ રૂપિયાની કિમતની કફ સિરપની ૩૮ બોટલ, ૧૬૨ ઈન્જેક્શન, દવાઓની ૨૮૧ સ્ટ્રિપ, ૮૪ ટ્યુબ, ૩૦ પાઉડરવાળી દવાઓ, ૩૨ કેપ્સ્યૂલ, નસમાં ચઢાવવામાં આવતા (IV) ફલુઇડની ૯ બોટલ અને ૧૯ ઇન્ફયુઝન સેટ સહિત અન્ય મેડિકલ સામગ્રી જપ્ત કરી હતી. વડોદરા સિટી ઝોન-૨નાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મંજિતા વણઝારાએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકો આ ‘ડોક્ટર' અંગે ચર્ચા કરી રહ્યા હતા અને સવાલ ઉઠાવી રહ્યા હતા કે તેની આપેલી દવાઓ યોગ્ય રીતે અસર કેમ કરતી નથી. તેમના જણાવ્યા મુજબ તેના ક્લિનિકમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હતા અને તે શહેરના કેટલાક અસલી ડોક્ટરો કરતાં પણ વધુ કમાણી કરતો હતો.
તેમણે જણાવ્યું કે માહિતી મળ્યા બાદ LCBની ટીમે ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન કથિત રીતે તેની પાસેથી નકલી મેડિકલ સર્ટિફિકેટ મળી આવ્યું હતું. આરોપ છે કે તેણે નકલી BIAMS (બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી)ની ડિગ્રીનો ઉપયોગ કરીને બવાસીર અને હેમોરોઇડ્સની સર્જરી કરી હતી
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
