<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

કાલે તા.૨૯ ઓગસ્ટ એટલે નેશનલ સ્પોર્ટ્સ ડે વિશેષ : રમતવીરોની પ્રતિભા શોધવા ગુજરાતે ‘સ્પોર્ટ્સ જીનોમિક્સ કાર્યક્રમ લોન્ચ કર્યો; રમતવીરોના DNAનો અભ્યાસ કરવા સેમ્પલ લેવાની શરૂઆત કરી : આ કાર્યક્રમ હેઠળ ગુજરાત એથ્લીટ જીનોમ ડેટાબેઝ (G-AGD) તૈયાર કરાશે. આ ડેટાબેઝમાં આનુવંશિક, શારીરિક અને રમતગમતના પ્રદર્શન સંબંધિત માહિતીને એકત્રિક કરવામાં આવશે

આ પહેલનો ઉદ્દેશ જીનોમિક્સને સ્પોર્ટ્સ સાયન્સ, ફિઝિયોલોજી અને પોષણ વિજ્ઞાન સાથે સાંકળીને રમતગમતની પ્રતિભાની ઓળખ અને વિકાસ માટે વધુ વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત અભિગમ વિકસાવવાનો છે. સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે: ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

(અશ્વિન વ્યાસ દ્વારા)ગાંધીનગર તા.૨૮ :  રમતવીરોના વિકાસમાં વિજ્ઞાનનો નવો આયામ ઉમેરાય તેવી પહેલરૂપે ગુજરાતે સ્પોર્ટ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યનાં રમતવીરોની આનુવંશિક, શારીરિક અને રમતગમતની કામગીરી સંબંધિત વિશેષતાઓને સમજવાનો છે.

 

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ હેઠળ દેશે સ્પોર્ટ્સ સાયન્સ, રમતવીરોની ઓળખ અને હાઈ-પરફોર્મન્સ ટ્રેનિંગ માટે પુરાવા આધારિત અભિગમ અપનાવ્યો છે.

 

ગુજરાતનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે, “મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે. તેનો ઉદ્દેશ જીનોમિક્સને સ્પોર્ટ્સ સાયન્સ, ફિઝિયોલોજી અને પોષણ વિજ્ઞાન સાથે સાંકળીને રમતગમતની પ્રતિભા માટે વધુ વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત અભિગમ વિકસાવવાનો છે. સ્પોર્ટ્સ જીનોમિક્સ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે,’’.

 

 “GBRCનાં વૈજ્ઞાનિકોએ વિવિધ રમતોમાં ભાગ લેતા રમતવીરોના સેમ્પલ એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કામાં ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન (GSTA)નાં ટેનિસ ખેલાડીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા છે. આ કાર્યક્રમ હેઠળ આગામી તબક્કામાં વિજયી ભારત ફાઉન્ડેશનના તીરંદાજી, ફેન્સિંગ, જુડો અને શૂટિંગના રમતવીરોના સેમ્પલ લેવામાં આવશે. ચાલુ વર્ષે કુલ 2,000 સેમ્પલ એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવાનો લક્ષ્યાંક છે.” તેમ  અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું. 

 

વર્ષ 2030માં ગુજરાત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારીઓ કરે છે ત્યારે આ પહેલનું મહત્વ ઘણુ વધી જાય છે. વૈજ્ઞાનિક રીતે રમતવીરોની પ્રોફાઇલ તૈયાર કરવાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી શકે તેવા ખેલાડીઓની ઓળખ અને તૈયારીમાં મદદ મળી શકે છે.

 

સ્પોર્ટ જીનોમિક્સ એક ઊભરતું ક્ષેત્ર છે, જેમાં આનુવંશિક ભિન્નતાઓ અને રમતવીરની લાક્ષણિકતાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. તેમાં સ્નાયુઓની રચના, સહનશક્તિ, ચયાપચય, કસરત પ્રત્યે શરીરની પ્રતિક્રિયા, રિકવરી અને ઈજાની સંભાવના જેવા પાસાંનો સમાવેશ થાય છે.

 

જોકે, આ કાર્યક્રમમાં એ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે કે રમતગમતની કામગીરી માત્ર આનુવંશિકતા પર આધારિત નથી. તાલીમ, કોચિંગ, પોષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક સહયોગ અને અન્ય પર્યાવરણીય પરિબળો પણ રમતવીરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

 

 

 

પરંપરાગત પ્રતિભા ઓળખથી અલગ છે આ સ્પોર્ટ્સ જીનોમિક્સ

 

 

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારથીએ જણાવ્યું કે, “પરંપરાગત રીતે રમતગમતની પ્રતિભાની ઓળખ શારીરિક માપદંડો, કોચિંગ મૂલ્યાંકન અને ટ્રાયલ દરમિયાનના પ્રદર્શનના આધારે કરવામાં આવે છે. ગુજરાતનું પ્રસ્તાવિત મોડલ આ પ્રક્રિયામાં આનુવંશિક અને જૈવિક માહિતીનો ઉમેરો કરવાનો પ્રયાસ કરે છે, જેથી રમતવીરની વધુ વ્યાપક પ્રોફાઇલ તૈયાર કરી શકાય.”

 

પી. ભારથીએ ઉમેર્યું કે, “આ કાર્યક્રમમાં પાવર, એન્ડ્યુરન્સ, ઈજાનું જોખમ અને કસરત પ્રત્યેની પ્રતિક્રિયા સાથે ન્યૂટ્રિજિનોમિક્સ, લાઇફસ્ટાઇલ જીનોમિક્સ, વ્યક્તિત્વ સંબંધિત લક્ષણો અને સર્કેડિયન રિધમ્સ જેવા પાસાંનો પણ અભ્યાસ કરવાનો પ્રસ્તાવ છે.”

 

ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશનના મિશન ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, “પ્રતિભાશાળી રમતવીરોનું હોલ-જિનોમ સિક્વન્સિંગ આ કાર્યક્રમનો મુખ્ય હિસ્સો રહેશે. આગામી પાંચ વર્ષમાં 10,000 સેમ્પલ લેવાનો લક્ષ્યાંક છે.  વિવિધ રમતગમતની શાખાઓના અગ્રણી રમતવીરોનું સ્ક્રીનિંગ કરવાની યોજના છે. દર વર્ષે આશરે 2,000 સેમ્પલનું હોલ-જિનોમ સિક્વન્સિંગ અને વિશ્લેષણ કરાશે,’’.

 

આ યોજના હેઠળ એથ્લેટિક્સ, સ્વિમિંગ, બોક્સિંગ, કુસ્તી, જુડો, તાઈક્વોન્ડો, જિમ્નાસ્ટિક્સ અને ફેન્સિંગ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફૂટબોલ, હોકી, હેન્ડબોલ, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી ટીમ તથા બોલ આધારિત રમતો ઉપરાંત બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લૉન ટેનિસ, કબડ્ડી અને ખો-ખોનો પણ સમાવેશ થાય છે.

 

તીરંદાજી, શૂટિંગ અને ચેસ જેવી ચોકસાઈ અને કૌશલ્ય આધારિત રમતો પણ આ વ્યાપક યોજનાનો હિસ્સો છે.

 

વિવિધ વયજૂથના રમતવીરોને આવરી લેવાનું આયોજન છે. તેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના, 14થી 18 વર્ષથી ઓછી ઉંમરના અને 18 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓનો સમાવેશ થાય છે. રાજ્ય અને રાષ્ટ્રીય ચેમ્પિયન ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેના માધ્યમથી ઉચ્ચ સ્તરે પ્રદર્શન કરતા રમતવીરોની આનુવંશિક અને શારીરિક લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાની તક મળશે.

(11:41 AM IST)