News of Friday, 28th August 2026
સ્વ.હરસુખભાઇ સંઘાણીની આજે ૨૬મી પૂણ્યતિથિ

ગુજરાતની ગરિમાને આકાશી બુલંદી બક્ષી શકે તેવા મહાગુજરાતીઓમાં જેમની ગણના અવશ્ય થાય છે, તેવા અખબારી આલમના જાગૃત પ્રહરી અને સંન્નિષ્ઠ તંત્રી સ્વ. શ્રી હરસુખભાઈ સંઘાણીની વસમી વિદાયને ૨૬ વર્ષના વહાણાં વાઈ ચૂકયા
તેમ છતાં સમસ્ત ગુજરાતના લાખ્ખો માનવીઓના મસ્તિષ્કમાં સ્વ. શ્રી હરસુખભાઈના જવલંત અતિતિના સંભારણા યથાવત રહ્યા છે, લાખ્ખો ગુજરાતીઓના હૃદયમાં એમની સ્મૃતિ ધરબાયેલી છે... એમની યાદ ધબકારાઓમાં ધબકી રહી છે.
ગુજરાતમાં એવું કોઇ અખબાર નથી જેણે સ્વ. હરસુખભાઈ સંઘાણીની કલમને બિરદાવી ન હોય... એવી કોઇ સામાજીક સંસ્થા નથી જે સ્વ. હરસુખભાઈની સેવા-નિષ્ઠાથી પરિચિત ન હોય...એવા કોઇ લેખક-પત્રકાર-કવી કે અખબાર નવેષ નથી જેમણે સ્વ. હરસુખભાઇની કલમ-કટારમાં છૂપાયેલી શક્તિને પિછાણી ન હોય... કે પછી એવો કોઈ વાચક પણ કદાચ નહીં હોય જેણે એમના તંત્રીલેખો, કોલમનો અન્ય હેતુમય લખાણનો આ સ્વાદ માણ્યો નહીં હોય !
આમાં અતિશયોક્તિ નથી પણ એક સાચા ગુજરાતીની શક્તિનો સાચુકલો માપદંડ છે.
સૌરાષ્ટ્રના અર્થકારણ બાબત તેમની જાણકારી, ઉંડી સુઝ અને તલસ્પર્શી જ્ઞાન સાથે સાથે પત્રકારત્વ ક્ષેત્રે આપેલા અનન્ય પ્રદાન થકી તેઓ એ પ્રશંસનિય કાર્ય-સેવા કરી હતી જે નિર્વીવાદ છે.
ત્યારબાદ ૧૯૬૧ થી શ્રી હરસુખભાઈ 'ફુલછાબ'માં વિવિધ જવાબદારીઓ સંભાળી, ૧૯૭૧માં મદદનીશ તંત્રી બન્યા અને ૧૯૭૫માં સ્વ. હિમતભાઈ પારેખના અનુગામી તરીકે તેમની પસંદગી થઇ. ૧૯૭૫ના આરંભે શ્રી હરસુખભાઈ સંઘાણી 'ફુલછાબ'ના તંત્રી થયા અને તેમણે એમની તાકાતને વિરતાનો પરચો દેખાડતા ગુજરાત હાઇકોર્ટમાં દેશમાં લદાયેલી કટોકટી અને સેન્સરશીપ સામે એક ઝુંબેશ ઉપાડી. એમણે 'ફુલછાબ' નું સુકાન સફળતાપૂર્વક ૨૩ વર્ષ સંભાળ્યુ. તંત્રીપદના સ્થાનને માન-મરતબો ને ગરિમા અપાવી.
૫૦ વર્ષની દિર્ધકાલિન પત્રકારત્વની કારકિર્દી દરમ્યાન લખાયેલા તેમના હજજારો તંત્રી લેખ અને અન્ય કટારોને પણ 'માઇલ સ્ટોન' ગણવામાં આવે છે.
શ્રી હરસુખભાઈ સંઘાણી રાજકોટ સ્થિત શ્રી સત્ય સાંઇ હોસ્પીટલ, સવાણી કિડની હોસ્પીટલ અને રાજકોટ જીલ્લા સહકારી સંઘ સાથે સતત સંકળાયેલા રહેતા અને તે સંસ્થાઓની સેવાકિય પ્રવૃતિઓમાં મોખરે રહેતાં.
રાજકોટમાં વર્ષો પૂરાણા કોર્પોરેશન સંચાલિત 'અંતિમ ધામ' નું નવીનીકરણ કરવામાં એમણે ‘ફુલછાબ' અખબારના માધ્યમ વડે સકિય અગ્રેસર રહી ઉપરોકત કાર્ય પૂર્ણ કર્યુ.
આજીવન પત્રકાર
જે ક્રિયા કરવાથી શકિત ઉત્પન્ન થતી હોય તો તે સાધના છે. શક્તિના પાંચ ક્ષેત્રો છે. જેમાં જનશક્તિ, ધનશક્તિ, શષશક્તિ, યંત્રશક્તિ અને કલમશક્તિનો સમાવેશ થાય છે. આ બધામાં કલમશક્તિ સૌથી વધુ પ્રબળ છે. સુવર શક્તિ છે. પણ જો તેનો ઉપયોગ રાષ્ટ્રના અને સમાજના હિતમાં થતો હોય તો... હરસુખભાઈ સંઘાણીએ પોતાની કલમશક્તિનો આવો સદ્ઉપયોગ કરી જાણ્યો હતો. તેઓએ પત્રકારત્વના આદર્શો જાળવી રાખ્યા હતા. પીળા પત્રકારત્વની દૂષિત કળાથી તેમણે 'ફૂલછાબ' ને અળગું રાખ્યું હતું. 'ફૂલછાબ' નું જ નહીં, સૌરાષ્ટ્રની લોકજાગૃતિનું ઘડતર જેમના દ્વારા થયું એવા આજીવન પત્રકાર સ્વ. હરસુખભાઈ સંઘાણીને જેટલી અંજાલિ અર્પીએ, નમસ્કાર કરીએ એટલા ઓછા છે.
આલેખન
અમીતા મયંક દોશી
મો.૯૪૨૮૨ ૯૦૨૨૬
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
