તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
નેપાળમાં એક દિવસનું મોડુ થયું હોત તો જીવીત ન હોતઃ તુષાર ભટ્ટ-પરિતા શુકલા
વડોદરાના યાત્રીકોએ જણાવી પરિસ્થિતિ-આપવીતી

વડોદરા, તા.૨૮: નેપાળમાં ભારે પૂર અને કુદરતી હોનારત વચ્ચે વડોદરાવાસીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વડોદરાથી કૈલાશ માનસરોવરની પવિત્ર પરિક્રમા કરવા ગયેલા ૧૨ લોકો પૂરની સ્થિતિ વચ્ચે પણ સંપૂર્ણપણે હેમખેમ પોતાના ઘરે પરત ફર્યા છે. જેમાં નવાપુરા વિસ્તારમાં રહેતા તુષાર ભટ્ટ પણ આ કૈલાશ માનસરોવરની યાત્રામાં જોડાયા હતા. જોકે, વડોદરાની ત્રણ મહિલાઓ સહિત અન્ય ૪ લોકોએ મુક્તિનાથ દર્શન માટે રોકાવાનું નક્કી કરતા તેઓ હાલ નેપાળમાં જ રોકાયા છે. યાત્રા દરમિયાન વડોદરાના પરિતા શુક્લા ગઈકાલે ફ્લાઇટમાં બેઠા તે જ સમયે ત્યાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, પણ સદ્નસીબે તમામ યાત્રાળુઓ સુરક્ષિત રહ્યા છે.
વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા તુષાર ભટ્ટ પણ આ કૈલાશ માનસરોવરની પરિક્રમા કરવા માટે ગયા હતા. નેપાળમાં આવેલી આ ભયાનક કુદરતી હોનારતમાંથી બચીને તેઓ હેમખેમ પોતાના ઘરે પરત ફર્યા છે. પોતાના અનુભવો વિશે વાત કરતી વખતે ભયાવહ મંજરને યાદ કરીને તુષાર ભટ્ટની આંખમાં આંસુ આવી ગયા હતા. તેઓએ ગળગળા સાદે જણાવ્યું હતું કે, ‘‘ફક્ત મહાદેવની કળપાથી જ હું હેમખેમ પરત આવી શકયો છું.'' આ સાથે જ તેમણે આ ગોઝારા પૂરમાં પોતાનો જીવ ગુમાવનાર લોકોના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
આ યાત્રામાં સામેલ વડોદરાના અન્ય એક યાત્રી પરિતા શુક્લાનો અનુભવ ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવો છે. તેઓ ગઈકાલે નેપાળથી ફ્લાઇટમાં બેઠા અને તેની થોડી જ વારમાં પાછળથી ત્યાં વિનાશક પૂર આવ્યું. આ પૂરની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, જે ઇમિગ્રેશન ઓફિસમાં તેઓએ ઊભા રહીને સેલ્ફી લીધી હતી, તે આખેઆખું બિલ્ડિંગ પૂરના ધસમસતા પાણીમાં તણાઈ ગયું હતું. જ્યારે તેઓ નેપાળથી ફ્લાઇટ મારફતે દિલ્હી ઉતર્યા, ત્યારે તેમને સમાચાર મળ્યા કે નેપાળમાં કેટલું ભયાનક પૂર આવ્યું છે. પરિતાબેને જણાવ્યું કે, ‘‘જો અમે એક દિવસ પણ મોડા નીકળ્યા હોત તો કદાચ આજે અમે જીવતા ના હોત.''
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
