તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 28th August 2026
નેપાળમાં વિનાશક પૂર વચ્ચે સુરતના અડાજણના પટેલ પરિવારના ત્રણ સભ્યો અચાનક સંપર્કવિહોણા બન્યા
પટેલ પરિવારના મિનાક્ષી પટેલ, જ્યોતિ પટેલ અને પરેશ પટેલ નેપાળમાં લાપતા: ત્રણેયનો પૂર બાદ પરિવારજનો સાથે સંપર્ક થઈ શક્યો નથી

નેપાળમાં આવેલા વિનાશક પૂર વચ્ચે સુરતના એક પરિવારના ત્રણ સભ્યો ગુમ થયા હોવાની ચિંતાજનક માહિતી સામે આવી છે. અડાજણના માધવ નગરમાં રહેતા પટેલ પરિવારના મિનાક્ષી પટેલ, જ્યોતિ પટેલ અને પરેશ પટેલ નેપાળમાં લાપતા થયા છે. ત્રણેયનો પૂર બાદ પરિવારજનો સાથે સંપર્ક થઈ શક્યો નથી.
મળતી માહિતી પ્રમાણે પરેશ પટેલ છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં સ્થાયી છે. તેઓ 23 ઓગસ્ટે અમેરિકાથી નેપાળ પહોંચ્યા હતા. ત્યારબાદ 26 ઓગસ્ટે તેઓ પોતાની માતા અને પરિવારના અન્ય સભ્ય સાથે કૈલાસ માનસરોવર યાત્રા (Kailash Mansarovar Yatra) માટે રવાના થયા હતા.યાત્રા દરમિયાન ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવાર સાથે છેલ્લી વખત વાતચીત થઈ હતી. ત્યારબાદ નેપાળમાં આવેલા ભારે પૂર અને કુદરતી આફત વચ્ચે ત્રણેયનો સંપર્ક તૂટી ગયો હતો.
પરિવારજનોના જણાવ્યા મુજબ પૂર આવ્યા બાદ મિનાક્ષી પટેલ, જ્યોતિ પટેલ અને પરેશ પટેલ સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ફોન પર પણ સંપર્ક ન થતાં પરિવારની ચિંતા સતત વધી રહી છે.ત્રણેય ક્યાં છે અને તેમની હાલની સ્થિતિ શું છે તે અંગે પરિવારને કોઈ ચોક્કસ માહિતી મળી નથી. કૈલાસ માનસરોવર યાત્રાના માર્ગમાં તેઓ ક્યાં ફસાયા છે તે અંગે પણ હજુ સ્પષ્ટતા થઈ નથી.
નેપાળમાં પૂર બાદ અનેક વિસ્તારોમાં માર્ગ અને સંચાર વ્યવસ્થા ખોરવાઈ હોવાના કારણે લાપતા લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં સુરતના પટેલ પરિવારજનો પણ પોતાના ત્રણ સભ્યોની સલામતીને લઈને ભારે ચિંતામાં છે.પરિવારે સરકાર અને સંબંધિત તંત્રને અપીલ કરી છે કે નેપાળમાં લાપતા થયેલા ત્રણેયની શોધખોળ કરી તેમની સ્થિતિ અંગે તાત્કાલિક માહિતી આપવામાં આવે. પરિવારજનોને આશા છે કે સરકારના રેસ્ક્યૂ અને ટ્રેકિંગ પ્રયાસોથી ત્રણેય અંગે વહેલી તકે કોઈ સકારાત્મક માહિતી મળી શકે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
