<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

ચિકદા તાલુકાનું એક એવું ગામ કે જયાં આઝાદીના 80 વર્ષે પણ બસ સુવિધા ઉપલબ્ધ નથી

જામની ગામને જોડતો રસ્તો પાકો અને સારો હોવા છતાં બસ સુવિધાથી વંચિત: શું આને કહેવાય વિકસિત ગુજરાત ? શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓએ ગામથી 3 કિમિ સુધી દૂર ચાલીને બસ પકડવી પડે છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા :આઝાદી ના 80 વર્ષ બાદ પણ છેવાડાના ગામોને બસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાતી ન હોય તો પછી કયા મોઢે આપણે ગુજરાતને વિકસિત ગુજરાત કહી શકીયે.
   વાત જામની ગામ ની કે જે પહેલા ડેડીયાપાડા અને હવે ચિકદા તાલુકામાં આવેલ છે. જામની ગામેં જવા માટે ડેડીયાપાડા સાગબારા નેશનલ હાઇવે પર આવેલ ગંગાપુર ગામથી અંદર 3 કિમિ જવું પડે છે, જ્યા જવા માટે પાકો અને સારો રસ્તો પણ છે.ચીકદા તાલુકામાં આવેલ જામની ગ્રુપ ગ્રામ પચાયત આમ જોઈએ તો ફક્ત જામની ગામમા જ લગભગ 1500 મતદાતાઓ હશે. જામની ગામ ગંગાપુર થી 3 થી 3.5 કી. મી. અને સામરપાડા થી 3 કી. મી. વચ્ચે આવેલ છે.
આઝાદી ના 80 વર્ષે પણ જામની ગામથી ડેડીયાપાડા, સાગબારા, સેલંબા ભણવા જતા બાળકોને એસ. ટી. બસની સુવિધાઓ નસીબમાં નથી. આજે જ્યારે જામની ગામથી ડેડીયાપાડા શાળાએ અભ્યાસ અર્થે ચાલતા જતા બાળકોને રસ્તે ઉભા રાખી બસ નથી...? તેમ પૂછતાં બાળકોએ શું જવાબ આપ્યો... સાંભળી સૌ હચમચી જશે...
બાળકોએ કહ્યું... સાહેબ અમે હજુ વોટ નથી આપતા, અમારી ઉંમર વોટ આપવા જેટલી નથી તો અમારે બસની આશા કેમ રાખવી. જેઓ વોટ આપે તેમને બસની સુવિધા અપાય... એ સાંભળી હું અવાક ઉભો રહ્યો.તો બીજી તરફ કેટલાક બાળકો દોડતા જતા હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે અમારી આ એકજ બસ છે જે છૂટી જશે તો અમારો દિવસ બગડી જશે.જામની ગામના વિદ્યાર્થીઓ એ શાળા કોલેજ જવા સાડા ત્રણ કિમિ ચાલતા ગંગાપુર આવવું પડે અથવા સામરપાડા.ચોમાસુ હોય કે શિયાળો કે પછી ઉનાળામાં બાળકો ખુબજ દયનિય પરિસ્થિતિ માં અભ્યાસ કરવા મજબુર બન્યા છે. ત્યારે જો ભારતના આ યુવાધનને બચાવવું હોય અને વિકસિત ભારત નું સપનું જો સાચી રીતે સાકાર કરવું હોય તો અહીં બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
દેશની આઝાદીના 80 વર્ષ પછી પણ ગામડાઓની શું આવી હાલત ...? સફેદ ઝભ્ભાધારી નેતાઓને ફક્ત પોતાના વોટની જ પડી હોય છે... આમ જનતાને પડતી મુશ્કેલીઓ કે તકલીફોની નેતાઓને કંઈજ પડી નથી ? પેલી કહેવત છે ને કે અપના કામ બનતા તો ભાડ મેં જાય જનતા .એક તરફ રાજ્ય સરકાર શાળાઓમાં ડ્રોપ આઉટનો રેશીયો ઘટાડવા મોટી મોટી વાતો કરે છે અને તેના માટે કરોડો રૂપિયા જાહેરાત પાછળ ખર્ચે છે પણ ડ્રોપ આઉટનો રેશીયો શા માટે અને કેમ વધે છે એ બાબત કેમ ધ્યાંનમા નથી લેતા.?
ગંગાપુર જામની વચ્ચે 3 થી 3.5 કી. મી. નું અંતર છે રસ્તો સારો છે તો બસની સુવિધા કેમ નથી....? આઝાદી ના 80 વર્ષ બાદ પણ ઊંડાણના કઈ કેટલાય એવા ગામડાઓ છે કે જયાં એસટી બસ સુવિધા ઉપલબ્ધ નથી. દર પાંચ વર્ષે બીલાડી ના ટોપ ની માફક નીકળી આવતા સરપંચ, તલાટી, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, ધારાસભ્ય, સાંસદને આ બાળકોને મુશ્કેલી કેમ દેખાતી નથી. ત્યારે અમોને મળેલ બાળકોનો જવાબ સાચો જ છે... અમારી વોટ આપવાની ઉંમર નથી તો બસની આશા કેમ રાખવી.....?
હવે જોવું રહ્યું કે આ સમાચારની અસર તાલુકા કક્ષાએથી જીલ્લા અને રાજ્ય સ્તરે પહોંચે છે કે નહીં ? જામની ગામના શાળા કોલેજ જતા બાળકો સહિત રોજિંદા કામકાજ અર્થે સાગબારા ડેડીયાપાડા જતા ગ્રામજનો માટે સવાર સાંજ બે ટાઈમ બસ સુવિધા ઉપલબ્ધ થાય છે કે નહીં ? લાગતા વળગતા તંત્ર સહિત સફેદ ઝભ્ભાધારી નેતાઓ દ્વારા જામની થી સાગબારા સેલંબા અને જામની થી ડેડીયાપાડા વચ્ચે બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં કેટલા સફળ થાય છે તે જોવું રહ્યું

(11:49 PM IST)