તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
લગ્નના ચાર જ દિવસમાં પતિએ ‘વર્જિનિટી ચેક'ની વાત કરી!
આણંદ લગ્ન કરનાર અમદાવાદની યુવતીના આક્ષેપ

અમદાવાદ,તા.૨૯: શહેરના વટવા વિસ્તારમાં લગ્નના ગણતરીના દિવસોમાં જ પતિએ પત્નીને શારીરિક સંબંધ બાંધતા પહેલાં તેની વર્જિનિટી તપાસવાની વાત કરી હોવાનો આક્ષેપ સાથેનો કિસ્સો સામે આવ્યો છે. આ ઉપરાંત પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાની જાણ થતાં પત્નીએ તેનો વિરોધ કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં પતિએ માર માર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. બાદમાં પતિ સહિત સાસરિયાઓએ દહેજની માગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતાં પરિણીતાને ઘરમાંથી કાઢી મૂક્યાનો આક્ષેપ છે. ત્યારે સમગ્ર મામલે મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીએ નવેમ્બર ૨૦૨૫માં આણંદના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તે સંયુક્ત પરિવારમાં સાસરીમાં રહેવા ગઈ હતી. જોકે, લગ્નના ચાર દિવસ બાદ જ પતિએ તેની સાથે ત્રાસભર્યું વર્તન શરૂ કર્યું હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, પતિએ લગ્ન પોતાની ઇચ્છાથી નહીં પરંતુ માતા-પિતાના કહેવાથી કર્યા હોવાનું કહીને પત્નીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પતિએ શારીરિક સંબંધ બાંધતા પહેલાં તેની ‘વર્જિનિટી ચેક' કરવાની વાત કરી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે.
આ દરમિયાન મહિલાને પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાની જાણ થઈ હતી. પરિણીતાએ પતિને આ સંબંધ અંગે વાત કરી અને અન્ય મહિલા સાથે સંબંધ ન રાખવા જણાવ્યું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં પતિએ પત્નીને માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. મહિલાએ આ અંગે સાસુ-સસરાને જાણ કરતાં તેમણે પણ પતિનો પક્ષ લીધો અને ‘‘મારો દીકરો જેમ કહે તેમ જ કરવાનું'' કહીને પરિણીતાને ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ મુજબ, સમય જતાં પતિ અને સાસરિયાઓનો ત્રાસ વધતો ગયો હતો. દહેજની માગણી કરીને પરિણીતાને વારંવાર હેરાન કરવામાં આવતી હતી અને અંતે તમામે ભેગા મળીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. લાંબા સમયથી ચાલતા કથિત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ અંતે પોલીસનો સહારો લીધો હતો.
મહિલાની ફરિયાદના આધારે વટવા પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે સંડોવાયેલા પરિવારજનોના નિવેદનો તથા અન્ય પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત વધુ સ્પષ્ટ થશે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
