<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ત્રણ હજાર લોક રક્ષકની ભરતીની તૈયારીઃ ધોરણ-૧૨ પાસ હોય તેને તક

સપ્‍ટેમ્‍બર ઓક્‍ટોબરમાં સત્તાવાર જાહેરાત બાદ ડીસેમ્‍બર-જાન્‍યુઆરીમાં ભરતીની તારીખો જાહેર થશે

ગાંધીનગર તા. ૨૯: ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૬ અંગે મહત્‍વના સમાચાર સામે આવ્‍યા છે. લોક રક્ષક કેડરની અંદાજે ૩૦૦૦ નવી જગ્‍યાઓની ભરતી થઈ શકે છે. સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબર ૨૦૨૬માં જાહેરાત અને ત્‍યારબાદ શારીરિક તથા લેખિત પરીક્ષા યોજાઈ શકે છે.

જાણવા મળ્‍યા મુજબ ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્‍વના સમાચાર સામે આવ્‍યા છે. લોક રક્ષક કેડરમાં આશરે ૩,૦૦૦ નવી જગ્‍યાઓ પર ભરતી કરવાની તૈયારી ચાલી રહી છે. આ ભરતીમાં ધોરણ-૧૨ પાસ ઉમેદવારોને તક મળી શકે છે. વધુ માહિતી અનુસાર  ભરતી અંગેની સત્તાવાર જાહેરાત સપ્‍ટેમ્‍બર અથવા ઓક્‍ટોબર ૨૦૨૬ દરમિયાન જાહેર થઈ શકે છે. જોકે, અંતિમ જાહેરાત અને ભરતી પ્રક્રિયાની તારીખો પોલીસ ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર થયા બાદ જ સ્‍પષ્ટ થશે.

આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોની શારીરિક કસોટી ડિસેમ્‍બર ૨૦૨૬થી જાન્‍યુઆરી ૨૦૨૭ દરમિયાન યોજાય તેવી શકયતા છે. ત્‍યારબાદ લેખિત પરીક્ષાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. સૂત્રો મુજબ ભરતીની પ્રક્રિયા સમયસર આગળ વધે તો માર્ચ અથવા એપ્રિલ ૨૦૨૭માં લેખિત પરીક્ષા યોજાઈ શકે છે. જોકે પરીક્ષાની ચોક્કસ તારીખ અંગેનો નિર્ણય સત્તાવાર જાહેરાત બાદ જ લેવામાં આવશે.

લોક રક્ષક કેડરની આ ભરતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવે તેવી શકયતા છે. ઉમેદવારોએ ભરતીની જાહેરાત બહાર પડ્‍યા બાદ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, શારીરિક માપદંડ, પરીક્ષાનો અભ્‍યાસક્રમ અને અરજી પ્રક્રિયા સહિતની વિગતો સત્તાવાર નોટિફિકેશનમાં તપાસવી જરૂરી રહેશે.

 

(3:33 PM IST)