News of Saturday, 29th August 2026
બેચરાજી ખાતે મહેસાણા જિલ્લા ભાજપાના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
સંગઠનનો અર્થ માત્ર લોકોનું એકઠું થવું નથી, પરંતુ તે એક વિચાર, એક ધ્યેય અને એક દિશા સાથે પરસ્પર સહયોગથી આગળ વધવાની શક્તિ છે: પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તા નિર્માણ એ સંગઠન મજબૂત કરવાનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે:ભુપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બેચરાજી ખાતે આયોજિત મહેસાણા જિલ્લા ભાજપાના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે તેઓએ ભાજપા આગેવાન તથા કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા હતાં.
ભુપેન્દ્રભાઈ પટેલે સમર્પિત અને સંસ્કારિત કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો આધાર ગણાવ્યો હતો અને જણાવ્યું હતી કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં ભાજપાએ પ્રાપ્ત કરેલા દેશવ્યાપી જનવિશ્વાસની પાછળ લાખો કાર્યકર્તાઓનો પરિશ્રમ, શિસ્ત, સમર્પણ અને સેવાભાવ રહેલો છે. જનસંઘના સમયથી જ કાર્યકર્તાઓના ઘડતર અને પ્રશિક્ષણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સંગઠનનો અર્થ માત્ર લોકોનું એકઠું થવું નથી, પરંતુ તે એક વિચાર, એક ધ્યેય અને એક દિશા સાથે પરસ્પર સહયોગથી આગળ વધવાની શક્તિ છે.
તેમણે કહ્યું કે, પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તા નિર્માણ એ સંગઠન મજબૂત કરવાનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે. પ્રશિક્ષણ વર્ગો કાર્યકર્તાઓને વિચારની સ્પષ્ટતા સાથે સમાજજીવનમાં બદલાતા પ્રવાહોને સમજવા અને વધુ અસરકારક રીતે લોકસેવા કરવા માટે તૈયાર કરવાનું માધ્યમ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુશાસન, જનભાગીદારી અને સેચ્યુરેશનના અભિગમ દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના લાભ પહોંચાડવાનો માર્ગ બતાવ્યો છે. આજે યુવા કાર્યકર્તાઓની ઊર્જા, વરિષ્ઠ આગેવાનોના અનુભવ અને નવી ટેકનોલોજીના સમન્વયથી ભાજપા સંગઠનને વધુ સશક્ત બન્યું છે.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી અને ભાજપાના પ્રશિક્ષણ મહાઅભિયાનના રાષ્ટ્રીય સહ સંયોજક રત્નાકરજી, રાજ્ય સરકારના મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ,પ્રવીણભાઈ માળી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રશિક્ષણ મહાઅભિયાનના પશ્ચિમ-મધ્ય ઝોનના ઇન્ચાર્જ કે. સી. પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, પ્રભારી ભરતભાઈ ડાંગર, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્યઓ, અભિયાનની પ્રદેશ ટીમના સદસ્ય વિજયભાઈ પંડ્યા, સંગઠનના પદાધિકારીઓ, પક્ષના વરિષ્ઠ આગેવાનો અને અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
