તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 30th August 2026
મોટા ખુંટવડા પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટ અને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, મુદ્દામાલ સાથે ૪ આરોપીઓ ઝડપાયા
રાત્રીના ૩ વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસ્યા :દવલબેનનું મોઢું દબાવી, માર મારીને તેમના ડાબા કાનની બુટ તોડી નાખી

મહુવા: (રહીમ વસાયા દ્વારા) ભાવનગર જિલ્લાના મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા એક અનડીટેક્ટ લૂંટ, ઈજા અને ઘરફોડ ચોરીના ગુનાને પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી રોકડ રૂપિયા અને લાખોના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસની માહિતી મુજબ, ફરિયાદી અને તેમના પત્ની દવલબેન રાત્રિના સમયે પોતાના ઘરમાં સૂતા હતા. ત્યારે આશરે રાત્રીના ૩ વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સો ગેરકાયદેસર રીતે ઘરમાં ઘૂસ્યા હતા. તેઓએ દવલબેનનું મોઢું દબાવી, માર મારીને તેમના ડાબા કાનની બુટ તોડી નાખી હતી (જેમાં તેમને ટાંકા લેવા પડ્યા હતા). આરોપીઓ કાનમાંથી આશરે ૪ ગ્રામ વજનની સોનાની ટોટી (કિંમત રૂ. ૪૦,૦૦૦) અને પીતળની કડીઓ લૂંટીને ફરાર થઈ ગયા હતા.
પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ, મોટા ખુંટવડાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે. યાદવ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે પોલીસે નીચે મુજબના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે:
૧. ગીલુભાઈ ઉર્ફે જુલુભાઈ ડાયાભાઈ ચારોલીયા (રહે. ગાધકડા, તા. સાવરકુંડલા)
૨. મનસુખભાઈ વેલાભાઈ ચારોલીયા (રહે. ગાધકડા, તા. સાવરકુંડલા)
૩. દેવાતભાઈ ઉર્ફે દેવાયતભાઈ સંગ્રામભાઈ ચારોલીયા (રહે. વડલી, તા. મહુવા)
૪. નાથાભાઈ ઉર્ફે નાથો ભીમાભાઈ પરમાર (રહે. કરમદિયા, તા. મહુવા)
પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ટોટી (નંગ-૧), રૂ. ૩૩,૦૦૦ રોકડા, ધાતુની કડી (નંગ-૩), સોનાનો ઢાળીયો, ચાંદીનો સિક્કો, બલોયા, રૂ. ૫૦૦ દરની જૂની ચલણી નોટ (નંગ-૨), ગુનામાં વપરાયેલ ઇકો ફોર-વ્હીલ કાર (GJ-04-DN-4521, કિંમત રૂ. ૧,૫૦,૦૦૦) તથા લોખંડનો પાઇપ અને સળિયો મળીને મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ સરાહનીય કામગીરી પીએસઆઇ આર.જે. યાદવ તથા હેડ કોન્સ્ટેબલ એન.કે. બોળીયા, એ.કે. પંડ્યા, બી.પી. બારૈયા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલભાઈ સોલંકી, હાર્દિકભાઈ પંડ્યા અને જયદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
