<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

ગુજરાતમાં તમાકુ અને નિકોટીનયુક્ત ગુટખા તેમજ પાન મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો : ૧૩ સપ્ટેમ્બરથી કડક અમલ થશે

નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા અને કેન્સરના જોખમને ધ્યાને રાખી ૨૦૧૨થી અમલી પ્રતિબંધ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૭ સુધી લંબાયો : આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતમાં નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા અને વિવિધ બિન-સરકારી સંસ્થાઓ (NGOs) ની રજૂઆતોને ધ્યાને રાખીને રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ તેમજ વેચાણ પર તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૭ સુધીના વધુ એક વર્ષના સમયગાળા માટે સંપૂર્ણ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. આ અંગે કમિશનર ઓફ ફૂડ સેફ્ટીની યાદીમાં વિગતો જાહેર કરવામાં આવી છે.

 

ફૂડ સેફ્ટી વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨થી આ પ્રતિબંધનો સતત અમલ કરવામાં આવી રહ્યો છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ‘હેમર’ ના સંશોધન અહેવાલો મુજબ ગુટખા અને પાન મસાલાનું સેવન અત્યંત ઘાતક અને કેન્સરકારક છે, જેનાથી મોઢાના કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે. આ ઉપરાંત, ‘ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે’ (GATS) ના અહેવાલ મુજબ દેશમાં ૩૫ ટકા પુખ્ત વયના લોકો તમાકુનું સેવન કરે છે, જેમાં ૨૧ ટકા લોકો ધુમાડા વગરની (સ્મોકલેસ) તમાકુનો ઉપયોગ કરતા હોવાનું ચિંતાજનક તારણ સામે આવ્યું છે.

 

આ પ્રતિબંધ કોઈપણ નામે ઓળખાતા અથવા વેચાતા તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલા પર લાગુ પડશે. આ સિવાય, અલગ-અલગ પેકિંગમાં વેચાતા એવા ઘટકો કે જેને ભેગા કરીને અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા કે પાન મસાલા તૈયાર કરી શકાતા હોય, તેવા તમામ ઘટકોના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ આદેશનો ભંગ કરનારા વેપારીઓ કે ઉત્પાદકો સામે ચુસ્તપણે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

(12:50 PM IST)