<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માંડલ તાલુકાના નાના ઉભડા ખાતે રાત્રિ સભામાં ગ્રામજનો સાથે સાધ્યો આત્મીય લોકસંવાદ

ગામના વિકાસ અને સ્વચ્છતા માટે જિલ્લા પંચાયત દ્વારા રૂ. ૧૦ લાખ મંજૂર : ગ્રામીણ જીવન સંસ્કાર અને સમરસતાનું ધામ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ગામડાંની શુદ્ધ હવા, પરસ્પરનો પ્રેમ અને સામાજિક સમરસતા એ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે : રાજ્યપાલ: નાના ઉભડા ગામે રાત્રી સભામાં ગ્રામજનો સાથે સંવાદ સાધતા રાજ્યપાલ

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભડા ગામની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પે સેન્ટર ઉત્તમ શાળા, નાના ઉભડા ખાતે ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજીને આત્મીય લોકસંવાદ સાધ્યો હતો.

ગ્રામજનો સાથે રાત્રી સભામાં સીધો સંવાદ સાધતાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, "હું પોતે ખેડૂતપુત્ર છું અને ગુરુકુળમાં શિક્ષક તરીકે કાર્ય કરેલું છે. લોકભવન કરતાં મને ગામડાંના ખેડૂતો અને ગ્રામજનો વચ્ચે રહેવામાં પોતાના પરિવાર જેવો આનંદ અને આત્મીયતા અનુભવાય છે.

પોતાના બાળપણ અને વિદ્યાર્થીકાળના સ્મરણો વાગોળતાં રાજ્યપાલ એ કહ્યું હતું કે, શિસ્ત, સખત પરિશ્રમ અને પ્રકૃતિ સાથેનો સંપર્ક જ માણસને સાચો માનવી બનાવે છે. ગામડાંની શુદ્ધ હવા, પરસ્પરનો પ્રેમ અને સામાજિક સમરસતા એ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. આજે શહેરોમાં ભૌતિક સગવડો હોવા છતાં આત્મીયતાનો અભાવ છે, જ્યારે ગામડાંમાં એકબીજાના સુખ-દુઃખમાં ભાગીદાર બનવાની સુંદર ભાવના જીવંત છે.

તેમણે ગ્રામજનોને અનેક પ્રેરણાદાયી પાસાંઓ પર માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, બાળકોને ઉત્તમ સંસ્કારો અને કુટુંબના મૂલ્યો શીખવવા ખૂબ જરૂરી છે. સાથે માતા-પિતાએ બાળકો સાથે ગુણવત્તાસભર સમય વીતાવવો જોઈએ જેથી તેઓ વ્યસન અને ખોટા માર્ગે જતાં અટકે.

ભૌતિક સંપત્તિ કે છળકપટથી ભેગી કરેલી સંપત્તિ સાથે નથી આવતી, માત્ર આપણા સત્કર્મો જ સાથે જાય છે. તેથી જીવનને વ્યસનમુક્ત બનાવી દીન-દુઃખીઓની સેવા અને સત્કર્મો કરવા એ જ માનવ જીવનની સાચી પૂંજી છે તેમ રાજયપાલ એ જણાવ્યુ હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પશુપાલન એ ખેતીનો પૂરક અને સમૃદ્ધિનો આધારસ્તંભ છે. ગામડાંમાં રહીને ઝેરી કે રાસાયણિક ખોરાકથી બચવા પોતાના ઘરનું શુદ્ધ દૂધ, ઘી અને છાશ હોવાં અનિવાર્ય છે. તેમણે ગ્રામજનોને પશુઓમાં નસલ સુધારણા દ્વારા દૂધ ઉત્પાદન અને આવક વધારવા પ્રોત્સાહિત કર્યા હતા.

રાજ્યપાલ એ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન અને અન્ન ઝેરી બની રહ્યા છે, જેના કારણે ગંભીર બીમારીઓ વધી રહી છે. તેના ઉકેલરૂપે તેમણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્ય સાચવવા ભાર મૂક્યો હતો.

રાજ્યપાલ એ ગ્રામજનોને પોતાના પરિવાર, ગામ અને સમાજમાં ભાઈચારો અને સમરસતા જાળવી રાખીને સ્વસ્થ તથા સ્વાવલંબી જીવન જીવવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ તરફથી નાના ઉભડા ગામમાં સ્વચ્છતા અને વિકાસના કાર્યો માટે રૂપિયા 10 લાખની વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધીક્ષક ઓમ પ્રકાશ જાટ, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્ય ઓ, ગામના સરપંચ સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:32 PM IST)