<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

સપ્‍ટેમ્‍બરના પ્રથમ સપ્તાહમાં પણ નોંધપાત્ર વરસાદના એંધાણ નથીઃ અશોકભાઈ પટેલ

૩૧ ઓગષ્‍ટથી ૫ સપ્‍ટેમ્‍બર સુધીની આગાહી

 

 

રાજકોટઃ સપ્‍ટેમ્‍બરના પ્રથમ સપ્તાહમાં પણ નોંધપાત્ર વરસાદના કોઈ એંધાણ નથી. સિઝનલ ટ્રફ (ધરી) ઉત્તર તરફ સરકતા અને મજબૂત લો-પ્રેશર સિસ્‍ટમ્‍સનો અભાવ હોવાથી ચોમાસુ નિરસ બન્‍યું હોવાનું જાણીતા વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

ઓગસ્‍ટ મહિનાના અંત સાથે જ રાજ્‍યમાં ચોમાસાની ગતિવિધિઓ ધીમી પડી રહી છે, ત્‍યારે સપ્‍ટેમ્‍બર મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્‍છ વિસ્‍તારમાં કોઈ મોટો કે ભારે વરસાદ પડે તેવી શક્‍યતાઓ ધૂંધળી દેખાઈ રહી છે. વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલના જણાવ્‍યા મુજબ, આગામી ૩૧મી ઓગસ્‍ટથી ૫મી સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્‍છમાં નોંધપાત્ર કે સાર્વત્રિક વરસાદની શક્‍યતા નહિવત જેવી છે.  મુખ્‍ય પરિબળો જોઈએ તો વેલમાર્ક લોપ્રેસર નોર્થ કોસ્‍ટલ ઓડિસ્‍સા અને પશ્‍ચિમ બંગાળ ઉપર અને તેના અનુસંગીક યેએસીસી ૭.૬ કિ.મીના લેવલ સુધી છે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્‍ચિમ તરફ ઝુકે છે જેનું ડાયરેકશન છે પશ્‍ચિમ ઉત્તર પશ્‍ચિમ.

ચોમાસુ ધરી અમૃતસર, પટીયાલા, નજીબાબાદ, બસ્‍તી, ત્‍યાંથી વેલમાર્ક સેન્‍ટર સુધી અને ત્‍યાથી બંગાળની ખાડી તરફ જાય છે.

એક ટ્રફ દક્ષિણ ગુજરાતથી લો પ્રેસરના યુએસી સુધી ૫.૮ કિ.મીના લેવલ સુધી જાય છે.

અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે કે ૩૧મી ઓગસ્‍ટથી ૫મી સપ્‍ટેમ્‍બર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્‍છમાં વાતાવરણ મુખ્‍યત્‍વે સૂકું અને વાદળછાયું રહેશે તેમજ અમુક દિવસોમાં માત્ર છૂટાછવાયા સ્‍થળોએ (આઇસોલેટેડ) ઝાપટાં કે હળવો વરસાદ પડી શકે છે, પરંતુ કોઈ પણ સ્‍થળે નોંધપાત્ર કે ભારે વરસાદની શક્‍યતા નથી. બીજી તરફ, ગુજરાત રિજિયનના ખાસ કરીને મધ્‍ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા વિસ્‍તારોમાં વાતાવરણ પ્રમાણમાં થોડું સાનુકૂળ રહેશે, જ્‍યાં આઇસોલેટેડથી લઈને કેટલાક સ્‍થળોએ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

(2:44 PM IST)