<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

આવનારી પેઢીઓને બંજર જમીન-ઝેરી પાણી આપવાના બદલે સમૃદ્ધ પર્યાવરણ આપવા પ્રાકૃતિક ખેતી અપનાવીએ : ખેડૂતો આખા ખેતરમાં નહીં તો શરૂઆતમાં જમીનના ચોથા ભાગમાં પ્રાકૃતિક ખેતી કરી પોતાના પરિવાર માટે ઝેરમુક્ત આહાર ઉગાડે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માંડલમા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા કર્યો અનુરોધ

પ્રગતિશીલ ખેડૂતોએ મિશ્ર પાક પદ્ધતિ અને મૂલ્યવર્ધનથી સફળ પ્રાકૃતિક ખેતીના અનુભવો રજૂ કરી અન્ય ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા : વિવિધ સ્ટોલ્સ દ્વારા ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો અને મૂલ્યવર્ધિત ઉત્પાદનો પ્રદર્શિત કર્યા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્ટોલ્સની મુલાકાત લીધી : છેલ્લાં એક વર્ષમાં અમદાવાદ જિલ્લામાં અંદાજિત ૮,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા :- જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે

અમદાવાદ તા.૩૧ : અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. પરિસંવાદ પૂર્વે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.  કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ મંચ પરથી પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

પરિસંવાદમાં ખેડૂતો સાથે સીધો સંવાદ સાધતા રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતી છોડવાના પોતાના અનુભવનો મર્મ રજૂ કરતા જણાવ્યું હતું કે, જંતુનાશકોથી ખેત-મજૂર બેભાન થવાની ઘટનાથી દ્રવિત થઈને તેમણે વિદ્યાર્થીઓને ઝેરમુક્ત આહાર આપવા રાસાયણિક ખેતીનો કાયમી ત્યાગ કર્યો હતો. તેમણે ખેડૂતોને કોઈ અપરાધભાવ વગર જમીન અને સ્વાસ્થ્યના રક્ષણ અર્થે આત્મમંથન કરવા આહ્વાન કર્યું હતું. સાથે જ, શરૂઆતમાં સમગ્ર ખેતરના બદલે માત્ર ચોથા ભાગથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી પરિવાર માટે ઝેરમુક્ત આહાર ઉગાડવા વ્યવહારુ સલાહ આપી હતી.

રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો દર્શાવતા કહ્યું કે, યૂરિયામાંથી બનતો નાઇટ્રસ ઓક્સાઇડ ગેસ અત્યંત ખતરનાક છે અને યુરિયા તથા જંતુનાશકોથી જમીન માટે ઉપયોગી અળસિયા નાશ પામે છે. કુરુક્ષેત્રના પોતાના ફાર્મના ડ્રીલ મશીન પ્રયોગ અને કેટલાંક ગામોના પીવાના પાણીના ટેસ્ટિંગના ઉદાહરણ આપી તેમણે જણાવ્યું કે, રાસાયણિક ખેતીથી જમીન પથ્થર જેવી કઠણ બની ગઈ છે અને ભૂગર્ભ જળમાં પણ કેમિકલ ભળી રહ્યા છે. આ ઉપરાંત, માતાના દૂધ અને અનાજમાં ઝેર ભળવાથી કેન્સર તથા હાર્ટ એટેક જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે.

પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટે છે તે ગેરસમજ દૂર કરતા રાજ્યપાલશ્રીએ સ્પષ્ટ કર્યું કે, પ્રાકૃતિક ખેતી એ ખર્ચાળ જૈવિક ખેતીથી અલગ છે. દેશી ગાયના છાણમાં રહેલા કરોડો સૂક્ષ્મ જીવાણુઓ જમીનના કુદરતી તત્ત્વોને છોડના ખોરાકમાં ફેરવે છે. તેમણે ડેનમાર્કનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં રાસાયણિક ખાતર પર પ્રતિબંધ અને જમીનનો ઓર્ગેનિક કાર્બન વધુ હોવાથી લોકો સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતને 'ઝેરમુક્ત રાજ્ય' બનાવવા સરકારે ગામડે-ગામડે માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ સખીઓ દ્વારા વિનામૂલ્યે તાલીમનું આયોજન કર્યું છે. ગુરુકુલના ૧૮૦ એકરના ફાર્મમાં ઓર્ગેનિક કાર્બન વધીને ૧.૭ થયાનું ઉદાહરણ આપી તેમણે ખાતરી આપી કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન બંને વધે છે.

રાજ્યપાલશ્રીએ આવનારી પેઢીઓના સ્વાસ્થ્ય, જમીન અને પર્યાવરણના રક્ષણ અર્થે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા ભાવુક અપીલ કરી હતી અને પરિસંવાદમાં ઉપસ્થિત તમામ ખેડૂતો પાસે પ્રાકૃતિક ખેતી કરવાનો દ્રઢ સંકલ્પ કરાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી  વિદેહ ખરેએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. સૌ મહાનુભાવો અને ખેડૂતોને આવકારતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને માસ્ટર ટ્રેનર્સની ટીમ દ્વારા તાલીમ આપીને પ્રાકૃતિક ખેતીના અભિયાનને સફળતાપૂર્વક આગળ ધપાવવામાં આવી રહ્યું છે. ગત વર્ષે જિલ્લામાં આશરે ૮,૦૦૦ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને સ્ટેટ મિશન અંતર્ગત તેમને સહાય પણ પૂરી પાડવામાં આવી છે. હાલ જિલ્લામાં ૩૦ જેટલા બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર્સ અને ૧૨૩ મોડેલ ફાર્મ તૈયાર થયેલા છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, માંડલ અને વિરમગામ તાલુકાના ભાલિયા ઘઉં અને પ્રાકૃતિક ઉત્પાદનો ખૂબ જ પ્રખ્યાત છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં આ પ્રાકૃતિક પેદાશોનું સીધું વેચાણ થઈ શકે તે માટે જિલ્લા પંચાયત અમદાવાદ બિલ્ડિંગ ખાતે પ્રાકૃતિક ખેત બજાર શરૂ કરવા માટે તમામ સુવિધાઓ સહ એક દુકાન ફાળવવામાં આવી છે, આ ઉપક્રમ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પ્રત્યે પ્રોત્સાહિત કરશે. આ ઉપરાંત આગામી સમયમાં અન્ય ૪ થી ૫ સ્થળોએ પણ આવા વેચાણ કેન્દ્રો શરૂ કરવાનું આયોજન છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જમીનને પુનઃ ફળદ્રુપ અને જીવંત બનાવવાના આ મહત્ત્વપૂર્ણ પ્રયાસમાં જોડાઈને અમદાવાદ જિલ્લાને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે એક 'રોલ મોડેલ' બનાવવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું.

પરિસંવાદમાં પોતાના અનુભવો વર્ણવતા પ્રગતિશીલ ખેડૂત  વાસુદેવભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી છોડીને ગુરુકુલ કુરુક્ષેત્રથી પ્રેરણા મેળવી ૨૦૧૮થી પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ આજે તેઓ મિશ્ર પાક પદ્ધતિ દ્વારા ઉત્પાદનનું સીધું મૂલ્યવર્ધન કરી ગ્રાહકો સુધી પહોંચાડે છે અને તેમણે ખેડૂતોને સ્વસ્થ જીવન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. 

જ્યારે સિહોર ગામના  મહેન્દ્રભાઈ રાવલે પોતાના 'યસ પ્રાકૃતિક ફાર્મ'નું મોડેલ રજૂ કરતાં જણાવ્યું હતું કે, તેઓ ૫૦-૬૦ ગીર ગાયોના ઉછેર સાથે ૧૦-૧૨ પ્રકારના ફળઝાડ, હળદર અને શાકભાજીની સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરે છે અને ડ્રીપ સિસ્ટમ દ્વારા જીવામૃતનો ઉપયોગ કરી પશુપાલન અને ખેતી દ્વારા આર્થિક રીતે પણ સફળતા મેળવી રહ્યા છે.

રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે કૃષિ સખી અને ક્લસ્ટર રિસોર્સ પર્સન (સીઆરપી) ટ્રેનર્સ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા તથા તેમના પ્રશ્નો અને મૂંઝવણો અંગે યોગ્ય માર્ગદર્શન પૂરૂં પાડવા અનુરોધ કર્યો હતો. પરિસંવાદ સ્થળે વિવિધ સ્ટોલ્સ દ્વારા ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો અને મૂલ્યવર્ધિત ઉત્પાદનો પ્રદર્શિત કર્યા હતા.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ  સુરજિતસિંહ ગોહિલ, દસાડાના ધારાસભ્ય  પી.કે.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ, અગ્રણી શૈલેષભાઈ દાવડા, પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, માંડલ કોટન સેલના ચેરમેન શ્રી કનુભાઈ વણોલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી તથા જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(4:18 PM IST)