<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

નર્મદા જિલ્લામાં એડવાન્સ પરમીટ ના રૂપિયા ભરાવ્યા બાદ ખાંડ, તુવેરદાળ સહિતનો જથ્થો નહીં મળતા દુકાનદારો હેરાન

લગભગ દર મહિને ખાંડ, તુવેરદાળ, ચણા જેવી વસ્તુઓ ઉપરથી નહીં આવતા દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઝઘડા

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં ઘણા મહિનાઓથી ખાંડ, ચણા જેવી વેચાણ વાળી વસ્તુઓનો જથ્થો નહીં આવતા એડવાન્સ પરમીટના રૂપિયા ભરતા દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે તકરાર થાય છે.
    રાજ્ય પુરવઠા નિગમના ખાડે ગયેલા વહીવટ ના કારણે ગુજરાતના લગભગ બધા જિલ્લાઓમાં રેશનકાર્ડ ઉપર મળતા અનાજમાં તકલીફ જોવા મળે છે, ઘઉં, ચોખા તો રેગ્યુલર આવે છે પરંતુ વેચાતા મળતા અનાજ માં ખાંડ, ચણા, બાજરી જેવી વસ્તુઓ પરમીટ ના એડવાન્સ રૂપિયા ભરવા છતાં સમયસર મળતા નથી જેના કારણે દુકાનદારો પહેલા ઘઉં, ચોખા આપતા ગ્રાહકો ખાંડ, તુવર દાળ કે અન્ય અનાજ ની માંગણી કરતા હોય ત્યારે દુકાનદાર ઉપર થી નથી આવ્યું એમ કહે તો ગ્રાહકો માનવા તૈયાર ન હોય અને દુકાનદાર સાથે ઝઘડા કરે છે.
  સરકાર ઘઉં, ચોખા ગ્રાહકોને મફત આપે છે પરંતુ સામે ખાંડ, તુવેરદાળ જેવી મોંઘી વસ્તુઓ કે જે મધ્યમ, ગરીબ વર્ગ માટે બહાર થી ખરીદવી મુશ્કેલ પડે છે તે જ વસ્તુઓ સમયસર નહીં મળતા લોકો હેરાન થાય છે, સરકાર એક તરફ મફત અનાજ આપી બીજી બાજુ મોંઘી વસ્તુઓ નહી આપતા મધ્યમ અને ગરીબ વર્ગ ના પરિવારો ને આર્થિક ફટકો પડે છે અને તેમનું મહિનાનું બજેટ ખોરવાઈ જાય છે. સરકાર દુકાનદારો પાસે એડવાન્સ પરમીટ ના રૂપિયા ભરાવી બાદ માં જથ્થો નહીં આપતા રીતસરની છેતરપીંડી જ કરતી હોય એમ લાગે છે, માટે પહેલા જરૂરી જથ્થો ભરી ત્યારબાદ જ પરમિટ ના રૂપિયા ભરાવે એ જરૂરી છે

(11:11 PM IST)