<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

યુસુફ પઠાણ જમીન વિવાદમાં હાઇકોર્ટ તરફથી મોટો આંચકો: ગુજરાત હાઇકોર્ટમાંથી અરજી પાછી ખેંચી; સરકારી જમીન પચાવી પાડવાના મામલે દબાણ હટાવવાનો માર્ગ મોકળો!

VMC ની ૯૭૮ ચોરસ મીટર જમીન પર કબ્જા મુદ્દે હાઇકોર્ટે પૂર્વ ક્રિકેટરને 'દબાણકાર' ગણાવ્યા: સિંગલ જજના ચુકાદાને આપેલી પડકાર અરજી પરત ખેંચાઈ, હવે વડોદરા કોર્પોરેશન લેશે આકરાં પગલાં

 

 

અમદાવાદ, તા.૦૧: પશ્ચિમ બંગાળની બહરામપુર લોકસભા બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ તરીકે ચૂંટાયેલા પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સરકારી જમીન પચાવી પાડવા (દબાણ કરવા) ના ચર્ચિત કેસમાં વડોદરા મહાનગરપાલિકા (VMC) ની નોટિસ સામે યુસુફ પઠાણે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલ અરજી આખરે પાછી ખેંચી લીધી છે. હાઇકોર્ટે સરકારી જમીન પર કબ્જો કરવા બદલ યુસુફ પઠાણને 'દબાણકાર' ગણાવ્યા હતા.

સોમવારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રે ની ડિવિઝન બેન્ચ સમક્ષ સિંગલ જજના ઓગસ્ટ ૨૦૨૫ના આદેશ વિરુદ્ધની અપીલ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પઠાણ તરફથી અરજી પરત ખેંચવાનો નિર્ણય લેવાયો હતો.


કોર્ટમાં રજૂઆત અને હાઇકોર્ટનો નિર્દેશ
સુનાવણી દરમિયાન યુસુફ પઠાણ તરફથી હજર રહેલા સિનિયર વકીલ શાલીન મહેતાએ ડિવિઝન બેન્ચ સમક્ષ જણાવ્યું હતું કે, "અમે કોર્પોરેશનના જવાબની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતાં વારંવાર સમય માંગવો પડ્યો હતો."

જ્યારે પઠાણના વકીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરને જમીન ફાળવવા અંગેના એક સરક્યુલરનો હવાલો આપ્યો, ત્યારે હાઇકોર્ટે સ્પષ્ટ વલણ અપનાવીને તેમને તેમની અપીલ પાછી ખેંચી લેવાની સૂચના આપી હતી. આ સાથે જ હાઇકોર્ટે VMC ને તે જમીન પરથી વહેલી તકે દબાણ હટાવવાના આકરા નિર્દેશ આપ્યા છે.


૯૭૮ ચોરસ મીટર પ્લોટ અને VMC ની હરાજીનો વિવાદ
આ સમગ્ર વિવાદ વડોદરા સ્થિત ૯૭૮ ચોરસ મીટરના કિંમતી પ્લોટ સાથે જોડાયેલો છે:


•    ૯૯ વર્ષની લીઝ ફગાવી: યુસુફ પઠાણે રાજ્ય સરકારના ૬ જૂન, ૨૦૨૪ના આદેશને પડકાર્યો હતો, જેમાં VMC ના એ પ્રસ્તાવને ફગાવી દેવાયો હતો જેમાં પઠાણને કોઈ જાહેર હરાજી વિના ૯૯ વર્ષ માટે આ પ્લોટ લીઝ પર આપવાની ભલામણ કરાઈ હતી.

•    હરાજી પ્રસ્તાવ અને વિરોધ: વડોદરા મહાનગરપાલિકાએ પ્લોટને હરાજીમાં મૂકવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોંગ્રેસના વિરોધના કારણે પ્રસ્તાવ પાછો ખેંચવો પડ્યો હતો. કોંગ્રેસની માગ હતી કે પહેલા જમીન પરથી દબાણ દૂર કરવામાં આવે અને ત્યારબાદ ખુલ્લી બોલી (Open Bidding) લગાવવામાં આવે જેથી VMC ને વધુ કિંમત મળી શકે.

હાઇકોર્ટમાંથી અરજી પાછી ખેંચાતાં હવે વડોદરા કોર્પોરેશન દ્વારા જમીનનો કબ્જો મેળવવા અને દબાણ હટાવવા માટે કાયદેસરની ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(4:47 PM IST)