<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

૬ દિવસમાં કુલ ૪૦ લાખથી વધુ ભક્‍તોએ કર્યા માં અંબાના દર્શન

ભાદરવી પૂનમ મહામેળાનો આજે છેલ્‍લો દિવસઃ ભંડાર કાઉન્‍ટરની આવક ૨૯.૬૩ લાખઃ છ દિવસમાં ૧.૮૩ કરોડ : સાત દિવસથી જય અંબેના નાદથી ગુંજતું અંબાજી આજે ભક્‍તિ અને આસ્‍થાના મહાસાગરમાં ફેરવાઈ ગયું છે

અંબાજીઃ તા.૨૬: સાત દિવસથી અંબાજીની ધરતી પર જે ભક્‍તિનો માહોલ જોવા મળી રહ્યો છે, તે આજે તેના શિખરે પહોંચ્‍યો છે. શક્‍તિ, ભક્‍તિ અને આસ્‍થાના મહાકુંભ સમાન ભાદરવી મહામેળા-૨૦૨૬નો આજે છેલ્‍લો અને સાતમો દિવસ છે. મા અંબાના ધામ અંબાજીમાં સાત દિવસીય મહામેળા દરમિયાન લાખોની સંખ્‍યામાં માઈભક્‍તો ઉમટી પડ્‍યા છે. ભક્‍તોએ મા જગતજનની અંબાના દર્શન કરી તેમના ચરણોમાં શીશ નમાવી ધન્‍યતા અનુભવી છે. આજે સવારથી જ અંબાજીના નિજ મંદિરમાં ભક્‍તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને મંદિરથી લઈને સમગ્ર અંબાજી સુધી ચારે તરફ ભક્‍તિમય માહોલ છવાયો છે.

ભાદરવી મહામેળાના છઠ્ઠા દિવસે કુલ ૩,૭૨,૧૨૬ ભક્‍તોએ મા અંબાના દર્શન કર્યા હતા. આ સાથે છ દિવસમાં મા અંબાના દર્શન કરનારા ભક્‍તોની કુલ સંખ્‍યા ૩૮,૨૩,૪૬૯ પર પહોંચી ગઈ છે. મંદિર ટ્રસ્‍ટ દ્વારા આ વખતે ૪૦ લાખથી વધુ ભક્‍તો દર્શન કરશે એવી ધારણા રાખવામાં આવી હતી. હવે આજે મેળાના અંતિમ દિવસે આ આંકડો પૂર્ણ થવાની સાથે અંદાજે ૪૨થી ૪૫ લાખ ભક્‍તો મા અંબાના દર્શન કરશે તેવો અંદાજ છે. ભક્‍તોની ભારે આવકને કારણે અંબાજી મંદિર અને આસપાસના વિસ્‍તારોમાં સતત ‘જય અંબે'ના જયઘોષ ગુંજી રહ્યા છે. ભક્‍તોના પ્રવાહને કારણે સમગ્ર અંબાજી જાણે આસ્‍થાના રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

મહામેળા દરમિયાન ભક્‍તોની મોટી સંખ્‍યામાં હાજરી વચ્‍ચે ભંડાર કાઉન્‍ટરની આવકમાં પણ વધારો જોવા મળ્‍યો છે. ભાદરવી મેળાના છઠ્ઠા દિવસે ભંડાર કાઉન્‍ટર પરથી રૂ. ૨૯,૬૩,૫૮૨ની આવક નોંધાઈ હતી. જ્‍યારે છ દિવસની કુલ આવક રૂ. ૧,૮૩,૧૦,૫૧૫ થઈ છે. આ આંકડા મેળા દરમિયાન ભક્‍તોની મોટી સંખ્‍યામાં હાજરી અને પ્રસાદ વ્‍યવસ્‍થાના વ્‍યાપને દર્શાવે છે. મહામેળાના છઠ્ઠા દિવસે ભક્‍તોને મોહનથાળ પ્રસાદના કુલ ૨,૬૩,૬૫૭ પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે છ દિવસમાં અત્‍યાર સુધીમાં મોહનથાળ પ્રસાદના ૨૮.૯૦ લાખ પેકેટનું વિતરણ થઈ ચૂક્‍યું છે. આ ઉપરાંત અત્‍યાર સુધીમાં ૩,૯૨૭ ભક્‍તો-સંઘોએ ધજા ચડાવી છે.

આજે ભાદરવી પૂનમના મેળાનો છેલ્‍લો દિવસ હોવાથી વહેલી સવારથી જ ભક્‍તોમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્‍યામાં ભક્‍તો જોડાયા હતા અને આખું મંદિર પરિસર ભક્‍તોથી ઉભરાઈ ગયું હતું. અંબાજી મંદિરમાં આજે ભક્‍તોની લાંબી લાઈનો જોવા મળી હતી, જે ૫૧ શક્‍તિપીઠ સર્કલ સુધી પહોંચી હતી. મા અંબાના દર્શન માટે મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડતા સમગ્ર વિસ્‍તાર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્‍યો હતો

(10:28 AM IST)