<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

સાગબારા જંગલ જમીન વિવાદમાં રાજકારણ ગરમાયું: 'અંગ્રેજો જેવું શાસન' કહી ભાજપના જ સાંસદ મનસુખ વસાવાનો વન વિભાગ પર પ્રહાર!

એક તરફ આદિવાસીઓ સાથે સંવાદ અને બીજી તરફ પોલીસ-વન વિભાગ દ્વારા ખેડૂતોની અટકાયત: મામલો હવે હાઈકોર્ટમાં પહોંચતા કાનૂની અને રાજકીય સંગ્રામ શરૂ

રાજપીપળા (નર્મદા) : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણના અધિકારને લઈને આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ (Sagbara Forest Land Dispute) ફરી એકવાર અત્યંત ઉગ્ર બન્યો છે. જંગલની જમીન પર ખેતી કરવા ગયેલા આદિવાસી ખેડૂતોને વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે અટકાવી તેમની સામે કાર્યવાહી હાથ ધરતા સ્થિતિ વણસી હતી. આ ઘટનાની જાણ થતાં જ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા પોતે સ્થળ પર પહોંચી ગયા હતા અને અધિકારીઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

 

સાંસદ મનસુખ વસાવાએ વન વિભાગ અને સરકારની આ કાર્યવાહી સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવતા સીધો પ્રહાર કર્યો હતો. તેમણે વનમંત્રી અર્જુન મોઢવાડિયા અને તંત્ર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે, સરકાર એક તરફ આદિવાસી વિસ્તારોમાં સંવાદ અને પારણાના કાર્યક્રમો કરે છે અને બીજી તરફ આદિવાસી ખેડૂતોને ખેતી કરતા અટકાવી તેમના બળદો સાથે અટકાયત કરે છે. તેમણે સરકારની બેવડી નીતિ સામે સવાલો ઉઠાવીને આદિવાસીઓ પર થઈ રહેલા અત્યાચાર સામે આકરા શબ્દોમાં ટીકા કરી હતી.

 

ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીની ખાતરીઓ એળે ગઈ, હવે મામલો હાઈકોર્ટમાં

 

સાગબારા અને સુરતના ઉમરપાડા વિસ્તારને જોડતી જંગલ જમીન પર સ્થાનિક આદિવાસીઓ વર્ષોથી ખેતી કરતા હોવાનો દાવો કરી રહ્યા છે. અગાઉ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન આ મુદ્દે મુખ્યામંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠકો યોજાઈ હતી અને ‘જંગલ જમીન અધિકાર કાયદા’ (FRA) હેઠળ પાત્રતા ધરાવતા અરજદારોને પુરાવાના આધારે હક્કપત્રક આપવાની ખાતરી આપવામાં આવી હતી. આમ છતાં, સપ્ટેમ્બરના અંતમાં ફરીથી વન વિભાગ દ્વારા અટકાયતી કાર્યવાહી કરાતાં ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. હવે આ સમગ્ર મામલે આદિવાસી ખેડૂતો દ્વારા ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા છે, જેના કારણે આ વિવાદ હવે રાજકીય ક્ષેત્રથી આગળ વધીને કાનૂની જંગ બન્યો છે.

(7:11 PM IST)