<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

લુણાવાડા સ્થિત બ્રાન્ચ શાળા નંબર 5 માં હોમવર્ક નહિ લાવનાર વિદ્યાર્થીને નિર્દયતાથી માર મારતા પીઠમાં ઇજા :શિક્ષક સસ્પેન્ડ

આ ગંભીર ઘટના મામલે બાળકની પીઠ પર વીંટી વાગતા ઇજા થઈ:શિક્ષણ વિભાગની તપાસમાં કાયદાનું ઉલ્લંઘન સાબિત થતાં આરોપી શિક્ષક રિયાઝ દાવલને સસ્પેન્ડ કરાયો

મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરની બ્રાન્ચ શાળા નંબર 5 માં હોમવર્ક ન લાવવા બદલ એક માસુમ વિદ્યાર્થીને શિક્ષક દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ચકચારી કેસ મામલે શિક્ષણ વિભાગે તાત્કાલિક બાળકના ઘરે જઈ તપાસ હાથ ધરી હતી અને આરોપી શિક્ષક રિયાઝ દાવલને સસ્પેન્ડ કરવાનો કડક આદેશ આપ્યો છે.

 

રાજ્યમાં બાળકોને શાળામાં મુક્ત અને ભયમુક્ત વાતાવરણ આપવા માટેના સરકારી નિયમો છતાં લુણાવાડાની સરકારી બ્રાન્ચ શાળા નંબર 5 માં અમાનવીય વ્યવહારની ઘટના સામે આવી છે. ધોરણમાં અભ્યાસ કરતો માસુમ વિદ્યાર્થી જ્યારે ઘરેથી આપેલું હોમવર્ક (લેસન) લાવવાનું ચૂકી ગયો, ત્યારે વર્ગખંડમાં હાજર શિક્ષકે ધીરજ ગુમાવીને તેને શારીરિક સજા ફટકારી હતી.

 

ઘરે પહોંચેલા બાળકે પીઠના ભાગે અસહ્ય દુખાવાની ફરિયાદ કરતાં વાલીઓએ તપાસ કરી હતી, જેમાં બાળકની પીઠ પર ઇજાના નિશાનો મળી આવ્યા હતા. આ બાબતથી અત્યંત રોષે ભરાયેલા વાલીઓ મોટી સંખ્યામાં શાળા કેમ્પસ ખાતે પહોંચ્યા હતા અને આચાર્ય સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. શાળામાં થયેલી આ ઉગ્ર બોલાચાલી અને રજૂઆતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.

 

 

વાયરલ વીડિયો અને વાલીઓની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ પહોંચતાં જ મહિસાગર જિલ્લા શિક્ષણ વિભાગ તાબડતોબ હરકતમાં આવ્યું હતું. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ ટીમે સીધા પીડિત બાળકના ઘરે પહોંચીને સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું.

 

 

શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE Act, 2009) ની કલમ 17 હેઠળ દેશની કોઈપણ સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોને કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક સજા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નિયમ અનુસાર જો કોઈ શિક્ષક વિદ્યાર્થી પર હાથ ઉપાડે છે અથવા તેને અપમાનિત કરે છે, તો તેને સર્વિસ રૂલ્સના ઉલ્લંઘન બદલ શિસ્તભંગના પગલાં તેમજ ફોજદારી કાયદા હેઠળ શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે વિદ્યાર્થીઓને શિસ્ત શીખવવા માટે કાઉન્સેલિંગ પદ્ધતિ અપનાવવી જોઈએ, હિંસા નહીં.

 

શાળા એ બાળક માટે શીખવાનું અને વિકસવાનું પવિત્ર સ્થળ છે. જ્યારે શિક્ષક દ્વારા આવી હિંસક સજા આપવામાં આવે છે, ત્યારે બાળકના કોમળ મન પર ઊંડો ભય અને આઘાત પેદા થાય છે. ઘણા કિસ્સાઓમાં બાળકો હંમેશ માટે શાળાએ જવાનું ટાળવા લાગે છે અને તેમનો આત્મવિશ્વાસ તૂટી જાય છે.

(5:06 PM IST)