તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
પ્રાથમિક સ્કૂલોમાં ઓનલાઈન એન્ટ્રીને કારણે ૭૦ દિવસનો અભ્યાસ વેડફાયો
શાળા દીઠ ૩ શિક્ષક વર્ષના પાંચ દિવસ BLO એપ અને તાલીમમાં આપે છે. આ સિવાય હેલ્થ કાર્ડ, સ્વાસ્થ્ય તપાસણી અને બાલવાટિકાની ડેટા એન્ટ્રી જેવી બિન-શૈક્ષણિક બાબતોનો બોજ પણ શિક્ષકો પર જ લાદવામાં આવ્યો છે : શિક્ષકોએ સમગ્ર વર્ષમાં ડઝનબંધ એપ્લિકેશન અને વેબ પોર્ટલ પર માહિતી અપડેટ કરવાની હોય છે - સર્વર યોગ્ય રીતે ચાલે તો રોજની ૩૩ મિનિટ વેડફાય છે, સર્વર ધીમું હોય તો ૫૦ મિનિટનો સમય લાગે છે

અમદાવાદ તા.૬: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોનો મોટો સમય શિક્ષણ કાર્યમાં આપવાને બદલે વિવિધ ઓનલાઈન પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવામાં વ્યતીત થઈ રહ્યો છે. શૈક્ષિક મહાસંઘે તૈયાર કરેલી વિગતો અનુસાર, એક આદર્શ પ્રાથમિક શાળામાં દર વર્ષે ૧ લાખ મિનિટ એટલે કે સરેરાશ ૭૦ દિવસનો સમય માત્ર ઓનલાઈન અને વહીવટી કામગીરી પાછળ ખર્ચાય છે. સર્વરની ધીમી ગતિ અને બિન-શૈક્ષણિક કામગીરીના બોજને કારણે શિક્ષકો શિક્ષણ આપવાના મુખ્યકાર્યથી વંચિત રહે છે. સર્વર યોગ્ય રીતે ચાલતું હોય તો પણ આ કામગીરીમાં ૪૮ દિવસ જેટલો સમય વેડફાય છે.
મહાસંઘે કરેલી ગણતરીમાં ધોરણ-૧થી ૮ની એવી શાળાનો આધાર લેવામાં આવ્યો છે જ્યાં ૩૦૦ વિદ્યાર્થી, ૮ મદદનીશ શિક્ષક અને ૧ મુખ્ય શિક્ષક ફરજ બજાવે છે. વર્ષના ૨૨૫ કામના દિવસ અને શિક્ષકોની રજાઓ ધ્યાનમાં લેતાં, આદર્શ પરિસ્થિતિમાં એટલે કે જ્યારે સર્વર ફાસ્ટ ચાલતું હોય ત્યારે પ્રતિ દિવસ શિક્ષકદીઠ ૩૩ મિનિટ ઓનલાઈન કામમાં જાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સર્વર ડાઉન રહેવાને કારણે હાલમાં પ્રતિ શિક્ષક દરરોજ ૫૦ મિનિટ અને પે સેન્ટર શાળામાં ૬૦ મિનિટ જેટલો સમય ઓનલાઈન કામગીરી પાછળ વેડફાય છે. સરળ શબ્દોમાં કહીએ તો શાળાના ૯ શિક્ષકોમાંથી ૧ મુખ્ય શિક્ષક અને ૧ મદદનીશ શિક્ષક આખું વર્ષ માત્ર ને માત્ર ઓનલાઈન કામગીરી જ કરે છે.
શિક્ષકોએ વર્ષ દરમિયાન ડઝનબંધ અલગ-અલગ એપ્લિકેશન અને સરકારી વેબપોર્ટલ પર સતત માહિતી અપડેટ કરવી પડે છે. જેમાં UDISE પ્લસમાં નવી એન્ટ્રી, જૂની એન્ટ્રી અપડેશન, અપાર ID બનાવવા અને શાળા-શિક્ષક પ્રોફાઈલ અપડેટ કરવામાં જ વાર્ષિક આશરે ૨૬૨૫ મિનિટ જેટલો વાસ્તવિક સમય લાગે છે. જ્યારે બાળ ટ્રેકિગ સિસ્ટમ (CTS) અને શિષ્યવૃત્તિ માટેની ડિજિટલ ગુજરાત કામગીરીમાં અનુક્રમે ૫૦૫૫ મિનિટ અને ૪૪૨૫ મિનિટ ખર્ચાય છે. રોજિદી વિદ્યાર્થી અને શિક્ષકની હાજરી, PM પોષણ યોજના, એકમ કસોટી, સત્રાંત પરીક્ષાના ગુણની એન્ટ્રી તેમજ CET અને જ્ઞાન સાધના પરીક્ષાઓની એન્ટ્રી પાછળ જ વાર્ષિક ૫૦ હજાર મિનિટથી વધુ સમય વપરાય છે. SQAAF, ખેલ મહાકુંભ, પગાર- માસિક પત્રક, PRAISA, કર્મયોગી, AABHA, ORF વાંચન સમીક્ષા, દીક્ષા એપ પર ૨૦ કલાકનું ટ્રેનિગ સેશન તેમજ ઉપલી કચેરીઓ દ્વારા વારંવાર માગવામાં આવતી માહિતી પાછળ સેંકડો કલાકો વિતે છે. ઓનલાઈન શૈક્ષણિક કામગીરી ઉપરાંત શિક્ષકોને BLOની કામગીરી પણ સોંપવામાં આવે છે. શાળા દીઠ ૩ શિક્ષક વર્ષના પાંચ દિવસ BLO એપ અને તાલીમમાં આપે છે. આ સિવાય હેલ્થ કાર્ડ, સ્વાસ્થ્ય તપાસણી અને બાલવાટિકાની ડેટા એન્ટ્રી જેવી બિન-શૈક્ષણિક બાબતોનો બોજ પણ શિક્ષકો પર જ લાદવામાં આવ્યો છે.
પત્રકના આંકડા દર્શાવે છે કે આદર્શ સ્થિતિમાં જે કામગીરી માટે કુલ ૬૮૪૪૦ મિનિટ નક્કી કરવામાં આવી હોય છે, એટલે કે વર્ષના ૪૮ દિવસની કામગીરી આદર્શ પરિસ્થિતિમાં નક્કી થયેલી છે, પરંતુ તે જ કામગીરીમાં સર્વર ધીમું અથવા ચોંટી જવાને કારણે વાસ્તવમાં ૧૦૦૭૪૦ મિનિટ એટલે કે ૭૦ દિવસનો સમય થાય છે. આમ, પોર્ટલની તકનીકી ખામીઓને કારણે શિક્ષકોનો ૩૨ હજાર મિનિટ એટલે કે ૨૨ દિવસ જેટલો વધુ સમય બિનજરૂરી રીતે વેડફાઈ રહ્યો છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
