<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

મધુબન ડેમનું પાણી ફરી વળતા વાપીના રોયલ હબ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં ૭૮ ગોડાઉનમાં ભરાયા ૧૦ થી ૧૫ ફૂટ પાણી

ઉપરવાસના ભારે વરસાદથી દમણગંગા નદીમાં આવેલા પૂરને કારણે કરોડો રૂપિયાનું નુકસાન સર્જાયું, કાદવના સામ્રાજ્ય વચ્ચે વહીવટી તંત્રની ગેરહાજરીથી ઉદ્યોગકારોમાં ભારે રોષ

વાપી, : ઉપરવાસમાં નોંધાયેલા ભારે વરસાદના પગલે મધુબન ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે દમણગંગા નદીમાં આવેલા ભીષણ પૂરથી વાપીના વલવાડા ગામ સ્થિત રોયલ હબ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલા અંદાજે ૭૮ જેટલા ગોડાઉનોમાં ૧૦થી ૧૫ ફૂટ સુધી પાણી ફરી વળતાં નાના અને મધ્યમ ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું માતબર આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

દમણગંગા નદીના જળસ્તરમાં થયેલા અચાનક વધારાને કારણે શનિવારે નીચાણવાળા આ ઔદ્યોગિક વિસ્તારમાં કલાકોમાં જ પૂરના પાણી ઘૂસી ગયા હતા, જેના પરિણામે પ્રિન્ટિંગ, ટેક્સટાઇલ, ઓઇલ અને પેકેજિંગ જેવા વિવિધ ઉદ્યોગોના ગોડાઉનમાં રાખવામાં આવેલો કાચો માલ, તૈયાર માલ અને કિંમતી મશીનરી સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી.

પૂરના પાણી ઓસર્યા બાદ હાલ સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં કાદવ અને કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેના કારણે વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ છે અને સામાન્ય લોકો તેમજ કામદારોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અસરગ્રસ્ત ઉદ્યોગકારો અને સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાણી ઓસર્યાને લાંબો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ official મુલાકાત કે રાહત કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે ઉદ્યોગકારોમાં પ્રશાસન સામે તીવ્ર નારાજગી ફેલાઈ છે.

આ ભીષણ આપત્તિ બાદ ઉદ્યોગકારો દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક વિશેષ સર્વે હાથ ધરીને નુકસાનનો અંદાજ મેળવવા અને યોગ્ય આર્થિક સહાય તથા વળતર પેકેજ પૂરું પાડવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

આ ઘટનાએ નીચાણવાળા ઔદ્યોગિક ક્ષેત્રોમાં પૂર નિયંત્રણ અને કટોકટીના સમય માટેની પૂર્વ તૈયારીઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે, ત્યારે આગામી દિવસોમાં તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

(11:24 AM IST)