News of Thursday, 2nd July 2026
રાજસ્થાન હાઇવે પર બસ અકસ્માતમાં ૮ લોકો જીવતા ભુંજાયા : પૂ. મોરારિબાપુ દ્વારા દિવંગતોના પરિવારોને કુલ ૧.૨૦ લાખની આર્થિક સહાયની જાહેરાત
હરિદ્વારથી ઈન્દોર જતી બસ દૌસા નજીક ટ્રક પાછળ ધડાકાભેર અથડાતાં ભીષણ આગ ફાટી નીકળી : મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાશે : પૂ. બાપુએ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી દિલસોજી પાઠવી

જયપુર: રાજસ્થાન હાઇવે પર બે દિવસ પહેલાં એક કાળજું કંપાવી દેનારો ગમખ્વાર બસ અકસ્માત સર્જાયો હોવાની કરુણ ઘટના સામે આવી છે. હરિદ્વારથી પ્રવાસીઓને લઈને ઈન્દોર તરફ જઈ રહેલી એક ખાનગી બસને રાજસ્થાનના દૌસા નજીક હાઇવે પર અકસ્માત નડ્યો હતો. આ ભીષણ દુર્ઘટનામાં બસમાં સવાર ૮ કમનસીબ લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં જ પ્રખ્યાત કથાકાર પૂ. મોરારિબાપુએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને પીડિત પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે.
બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર બાદ આગ લાગી:
પ્રાપ્ત વિગતો અનુસાર, હરિદ્વારથી ઈન્દોર જઈ રહેલી આ પ્રવાસી બસ જ્યારે રાજસ્થાનના દૌસા નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે મોડી રાત્રે આશરે ૨:૩૦ વાગ્યાના અરસામાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને પગલે બસ આગળ જઈ રહેલા એક ટ્રક સાથે પાછળથી ધડાકાભેર અથડાઈ પડી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે જોતજોતામાં બસમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આગની લપેટોએ આખી બસને ઘેરી લેતાં અંદર બેઠેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળી ન હતી અને ૮ લોકો બસની અંદર જ જીવતા ભુંજાઈ ગયા હતા.
વારસદારોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાશે:
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ કામગીરીની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આગ પર કાબૂ મેળવી દિવંગતોના મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હોવાથી ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ અંગે સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, તમામ મૃતકોના ડીએનએ (DNA) ટેસ્ટ કરાવવામાં આવશે અને ત્યારબાદ જ તેમના અસલી વારસદારોને ઓળખ કરીને શબ સોંપવામાં આવશે.
મધ્યપ્રદેશ સીએમ રિલીફ ફંડમાં સહાય જમા કરાશે:
આ દુઃખદ અકસ્માતના સમાચાર મળતા જ પૂ. મોરારિબાપુએ તમામ દિવંગત આત્માઓના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી છે અને તેમના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના અને દિલસોજી વ્યક્ત કરી છે. આ સાથે જ પૂ. મોરારિબાપુએ આ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ ૮ સભ્યોના પરિવારો માટે રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦/- (એક લાખ વીસ હજાર) ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂ. બાપુ દ્વારા જાહેર કરવામાં આવેલી આ સહાયની રકમ રામકથાના શ્રોતા મારફતે સીધી મધ્યપ્રદેશ સીએમ રિલીફ ફંડ (CM Relief Fund) માં જમા કરાવવામાં આવશે.
(અહેવાલ - મુકેશ પંડિત)
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
