<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની પહેલથી ગુજરાત રાજ્યભરમાં કૃષિ વિભાગની 800 કચેરીઓ સોલાર રૂફટોપથી સજ્જ થશે : પર્યાવરણ સુરક્ષા સાથે સરકારને વાર્ષિક 32 લાખ યુનિટ વીજ ઉત્પાદન અને અઢી કરોડની બચત થશે

ગાંધીનગર ખાતે GEDA મારફત એજન્સીઓને લેટર ઓફ ઈન્ટેન્ટ એનાયત કરાયા, ભવિષ્યમાં તમામ માર્કેટિંગ યાર્ડના શેડ અને ડોમ પણ સોલાર આધારિત બનાવવાનું આયોજન, કૃષિ મંત્રીએ તમામ અધિકારીઓ અને સહકારી સંસ્થાઓને ઘરે સોલાર લગાવવા અનુરોધ કર્યો

ગાંધીનગર તા.23 : કૃષિ, પશુપાલન, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સ્વચ્છ ઊર્જા અને આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આજે ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તથા કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્માર્ટ અને ગ્રીન ઊર્જા અભિયાન અંતર્ગત વિભાગ હેઠળની કુલ 800 કચેરીઓ પર સોલાર રૂફટોપ પેનલ ઈન્સ્ટોલેશન માટે લેટર ઓફ ઈન્ટેન્ટ એનાયતનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે કૃષિ વિભાગની આ પહેલ થકી પર્યાવરણ સુરક્ષા, જાહેર નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ અને ઊર્જા સુરક્ષા જેવા ત્રિવિધ હેતુઓ સિદ્ધ થશે. આ સિસ્ટમથી દૈનિક અંદાજે 8,750 યુનિટ અને વર્ષ દરમિયાન અંદાજે 31.94 લાખ યુનિટ ગ્રીન વીજળીનું ઉત્પાદન થવાની અપેક્ષા છે. જેના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક આશરે રૂ. 2.5 કરોડના વીજ બિલની બચત થશે. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં પોતાના તમામ એકમોને 100 ટકા સોલાર પેનલથી સજ્જ કરનારો આ પ્રથમ વિભાગ બનશે, જે બાદ ક્રમશઃ અન્ય વિભાગોમાં પણ આ વ્યવસ્થા લાગુ કરાશે અને ધીરે ધીરે રાજ્ય સરકાર હેઠળની તમામ કચેરીઓને સોલાર રૂફટોપથી સજ્જ કરવામાં આવશે.

આગામી આયોજન અંગે વિગતો આપતાં મંત્રીએ ઉમેર્યું હતું કે ભવિષ્યમાં રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડના ગોડાઉન, ડોમ અને સ્ટોરેજ વ્યવસ્થાઓ પણ ક્રમબદ્ધ રીતે સોલારથી સજ્જ થાય તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ડોમ પર સોલાર પેનલ લગાવી વીજળી ઉત્પાદન કરવામાં આવે તો યાર્ડ પર વીજળીનું આર્થિક ભારણ ઘટશે. તેમણે આહ્વાન કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047 ના સંકલ્પને સાકાર કરવા દરેક વ્યક્તિએ ઊર્જા સંરક્ષણમાં સહભાગી થવું પડશે. તેમણે રાજ્યની તમામ સહકારી સંસ્થાઓ તથા વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને પત્રકાર મિત્રોને પોતાના ઘરે સોલાર પેનલ લગાવવા ઉપરાંત ઓછામાં ઓછા પાંચ અન્ય લોકોને સોલાર રૂફટોપ અપનાવવા પ્રેરિત કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.

પશુપાલન અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકીએ જણાવ્યું હતું કે કૃષિ મંત્રીની પ્રેરણાથી હાથ ધરાયેલી આ પહેલના પરિણામે નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન કુલ અંદાજે 2.5 મેગાવોટ એટલે કે 2500 કિલોવોટ સોલાર રૂફટોપ ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે. જેમાં કૃષિ સંશોધન કેન્દ્રો, તાલીમ કેન્દ્રો, યુનિવર્સિટીઓ, પશુરોગ અન્વેષણ કેન્દ્રો, પશુ દવાખાનાં, નર્સરીઓ તથા અન્ય સરકારી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમના પ્રારંભે કૃષિ વિભાગના અગ્ર સચિવ આર. સી. મીણાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે GEDA ના નિયામક ડી. કે. પટેલે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મત્સ્યોદ્યોગ કમિશનર વિજય ખરાડી, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર બી. કે. જોશી, પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર, ખેતી નિયામક આર. પી. રાજપૂત, બાગાયત નિયામક, આત્મા નિયામક સહિત કૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:47 PM IST)