તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
ગાંધીનગરમાં 'ફિટ ઇન્ડિયા-સન્ડેઝ ઓન સાઇકલ'ની ૯૨મી આવૃત્તિ યોજાઈ : સ્વર્ણિમ પાર્ક ખાતે સાઇકલ રેલી અને રમતગમતના આયોજનો
'ફિટનેસ, સ્વચ્છતા અને સામાજિક જવાબદારી' થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સુલભ ઇન્ટરનેશનલના પ્રતિનિધિઓ અને ચિલોડાની ઓમ લેન્ડમાર્ક સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ પાર્ક ખાતે આજે સવારે 'ફિટ ઇન્ડિયા-સન્ડેઝ ઓન સાઇકલ' સાપ્તાહિક ફિટનેસ કાર્યક્રમની ૯૨મી આવૃત્તિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 'ફિટનેસ, સ્વચ્છતા અને સામાજિક જવાબદારી' વિષય વસ્તુ (થીમ) પર આધારિત આ કાર્યક્રમમાં સુલભ ઇન્ટરનેશનલના પ્રતિનિધિઓ તેમજ ચિલોડાની ઓમ લેન્ડમાર્ક સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI), NCoE, ગાંધીનગર દ્વારા આયોજિત આ ફિટનેસ ઈવેન્ટમાં સેન્ટરના અનેક તાલીમાર્થી ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત જાણીતા ટ્રેનર વનરાજ દ્વારા કરાવવામાં આવેલ શારીરિક તાલીમ અને ઝુમ્બા સેશનથી થઈ હતી. ત્યારબાદ તમામ સહભાગીઓએ સ્વર્ણિમ પાર્કના આસપાસના વિસ્તારમાં ૨.૫ કિલોમીટર લાંબી સાઇકલ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સાઇકલ રેલી બાદ ગેમ ઝોન ખાતે ઉપસ્થિત મહાનુભાવો અને સહભાગીઓએ બેડમિન્ટન, ચેસ, કેરમ, રોપ સ્કીપિંગ અને હ્યુમન સાઇઝ લુડો જેવી વિવિધ રમતોની મજા માણી હતી. કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી બદલ સુલભ ઇન્ટરનેશનલના પ્રતિનિધિમંડળના વડા અને ઓમ લેન્ડમાર્ક સ્કૂલના શિક્ષકોને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ સહભાગીઓ માટે અલ્પહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા દ્વારા ડિસેમ્બર ૨૦૨૪માં શરૂ કરવામાં આવેલ 'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાઇકલ' અભિયાનનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) ની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI), ઇન્ડિયન રોપ સ્કીપિંગ ફેડરેશન, યો ગાસન ભારત, રાહગીરી ફાઉન્ડેશન, MY બાઇક્સ અને MY ભારતના સહયોગથી કરવામાં આવે છે. આ સાઇકલિંગ ડ્રાઇવ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત SAI પ્રાદેશિક કેન્દ્રો, નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (NCoEs), SAI ટ્રેનિંગ સેન્ટર્સ (STCs), ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (KISCEs) અને ખેલો ઇન્ડિયા સેન્ટર્સ (KICs) ખાતે એકસાથે યોજવામાં આવે છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
