તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
આવતીકાલથી રાજ્યમાં ૮ ઓક્ટોબર દરમિયાન ૯મા રાષ્ટ્રીય પોષણ માહનો પ્રારંભ: "આપણી આંગણવાડી આપણી જવાબદારી" થીમ હેઠળ રાજ્યવ્યાપી આયોજન
અલગ-અલગ પાંચ થીમ સાથે તમામ સરકારી વિભાગો જોડાશે; આંગણવાડી, પોષણ વાટિકા અને PMMVY પર રહેશે વિશેષ ભાર:ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગોના નોડલ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર : રાજ્યના તમામ વર્ગો, ખાસ કરીને સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોના સ્વાસ્થ્ય તથા પોષણના સ્તરમાં વ્યાપક સુધારો લાવવાના ભગીરથ ઉદ્દેશ્યથી પોષણ અભિયાન અને મિશન પોષણ ૨.૦ અંતર્ગત ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’નું આગામી તા. ૯ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રાજ્યવ્યાપી ઉજવણીના આયોજન સંદર્ભે આજે ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ સચિવ રાકેશ શંકરની અધ્યક્ષતામાં અને ICDS કમિશનર શ્રી રણજિત કુમાર સિંઘની ઉપસ્થિતિમાં સંલગ્ન તમામ વિભાગોના નોડલ અધિકારીઓ સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગત વર્ષ ૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ ૧૩૫.૫ લાખ જેટલી રેકોર્ડબ્રેક પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક યોજીને હાસિલ કરેલી સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી અને આગામી આયોજન વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરણાદાયી માર્ગદર્શન અને મહિલા-બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલના કુશળ નેતૃત્વમાં આ ઝુંબેશ ચાલુ વર્ષ ૨૦૨૬માં "આપણી આંગણવાડી આપણી જવાબદારી" મુખ્ય થીમ હેઠળ યોજવામાં આવી રહી છે. સામાજિક/વર્તણૂક પરિવર્તન સંચાર અને જન આંદોલન દ્વારા પોષણ સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે વર્ષ ૨૦૨૬માં પાંચ થીમ નક્કી કરવામાં આવી છે, જેમાં આહારની વિવિધતા અને પર્યાપ્ત પ્રોટીન, આંગણવાડી કેન્દ્રો પર તાજું ગરમ રાંધેલું ભોજન, સામુદાયિક માલિકી અને જવાબદારી, બાળપણના વિકાસ માટે પોષણ અને પ્રારંભિક ઉત્તેજન-પ્રોત્સાહન તથા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY): માતાના સ્વાસ્થ્ય માટે રોકડ સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પોષણ માહ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા પરિણામલક્ષી પ્રવૃત્તિઓનું અમલીકરણ કરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા VHSND દરમિયાન માતા અને બાળકના સ્વાસ્થ્યની તપાસ, એનિમિયા સ્ક્રીનિંગ, કાઉન્સેલિંગ તેમજ "પ્રથમ ૧૦૦૦ દિવસ" અભિયાન અંતર્ગત ૦-૬ વર્ષના બાળકોનું વૃદ્ધિ માપન અને વિકાસલક્ષી વિલંબ ધરાવતા બાળકોને RBSK/આરોગ્ય સેવાઓ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગ્રામીણ સ્તરે વિશેષ "પોષણ ગ્રામસભા" યોજીને "આંગણવાડી પોષણ સંકલ્પ" લેવડાવવામાં આવશે અને આંગણવાડીઓમાં SNP મેનૂ બોર્ડનું પ્રદર્શન, પીવાના પાણી તથા સ્વચ્છતાની સમીક્ષા કરી આંગણવાડી મેનેજમેન્ટ કમિટી-AMC બેઠકોનું આયોજન, ગ્રામવિકાસ વિભાગ મારફતે મહિલા સ્વ-સહાય જૂથો (SHG) દ્વારા પૌષ્ટિક અને ઓછી કિંમતની પ્રોટીનયુક્ત વાનગીઓનું નિદર્શન, "એક SHG – એક પૌષ્ટિક વાનગી" અભિયાન અને પ્રોટીનયુક્ત થાળી સ્પર્ધાઓનું આયોજન, પોષણ વાટિકા/કિચન ગાર્ડનને પ્રોત્સાહન, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટ/શ્રી અન્ન અને કઠોળના ઉત્પાદન તેમજ સેવનને પ્રોત્સાહન, પોષણ વાટિકા માટે બીજ કીટનું વિતરણ કરીને ખેડૂતો માટે "વિવિધ આહાર – સ્વસ્થ પરિવાર" જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
તેવી જ રીતે, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓની સવારની પ્રાર્થના સભામાં પોષણ સંદેશાઓ રજૂ કરી, સ્વાસ્થ્યપ્રદ/પ્રોટીન સભર ટિફિન સ્પર્ધાઓ યોજી વિદ્યાર્થીઓને "પોષણ દૂત" તરીકે સક્રિય કરવામાં આવશે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઔદ્યોગિક વિસ્તારો અને શ્રમિક વસાહતોમાં કામકાજી તથા સગર્ભા મહિલાઓ માટે પોષણ જાગૃતિ કેમ્પ યોજીને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) હેઠળ મહત્તમ નોંધણી અભિયાન, માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયા પર "એક મિનિટ – એક પોષણ સંદેશ" તથા શ્રેષ્ઠ કામગીરી કરતી આંગણવાડીઓ અને SHGની સાફલ્યગાથાઓનું પ્રસારણ, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ યુવા મંડળોના સહયોગથી પોષણ જાગૃતિ રેલી, પોષણ રન/વોક, પોષણ ક્વિઝ અને શેરી નાટકો યોજશે.
આ ઉપરાંત સામાજિક ન્યાય અને અઘિકારિતા વિભાગ દ્વારા સંવેદનશીલ વર્ગો માટે વિશેષ પોષણ જાગૃતિ કેમ્પ, દિવ્યાંગ બાળકો/પરિવારો માટે પોષણ પ્રવૃત્તિઓ, સમુદાયમાંથી Poshan Championની પસંદગી કરવી, આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પરંપરાગત પૌષ્ટિક આદિવાસી વાનગીઓનું દસ્તાવેજીકરણ અને "સ્થાનિક ખોરાક – સ્થાનિક પોષણ" ઝુંબેશ, પાણી પુરવઠા વિભાગ આંગણવાડીઓમાં સુરક્ષિત પીવાના પાણીની સુવિધા અને સાબુથી હાથ ધોવાના યોગ્ય નિદર્શન પર ભાર મૂકશે.
શહેરી વિકાસ વિભાગ શહેરી ઝૂંપડપટ્ટીઓમાં વિશેષ પોષણ કેમ્પ કરશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ વ્યાજબી ભાવની દુકાનો પર પૌષ્ટિક થાળી અંગે માહિતી, પોષણ મેળામાં Food & Nutrition Information Stall, તેમજ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આંગણવાડીઓમાં પોષણ-સહાયક વૃક્ષોનું વાવેતર કરીને "પોષણ વન" વિકસાવવામાં આવશે. આ તમામ વિભાગોના સમન્વયથી રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૬ને જન-જન સુધી પહોંચાડીને સ્વસ્થ ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં આવશે
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
