તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 2nd August 2026
વડોદરાના પાદરામાં દાદા સાથે નદી કિનારે ગયેલી ૧૨ વર્ષની બાળકીને મગરે પાણીમાં ખેંચી લીધી
વિશ્વામિત્રી નદીના કિનારે હાથ-પગ ધોવા ગયેલી માસૂમ કિશોરી પર મગરે અચાનક હુમલો કરી ઊંડા પાણીમાં ગરકાવ કરી દીધી.

પાદરા : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે રવિવારે સવારે દાદા સાથે હાથ-પગ ધોવા ગયેલી બાર વર્ષીય હેતલ રાઠોડિયા નામની કિશોરી પર પાણીમાં છુપાયેલા મહાકાય મગરે અચાનક તરાપ મારીને તેને નદીના ઊંડા પાણીમાં ખેંચી જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર અને ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ઘટનાની જાણ થતા જ પાદરા પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર, સરપંચ અને તલાટી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યારે વન વિભાગના અધિકારીઓની સૂચનાથી વાસણા ફાયર સ્ટેશનની ટીમ અને એસડીઆરએફ (SDRF) ની ટીમ દ્વારા કિશોરીની શોધખોળ માટે સઘન રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે પરંતુ સમાચાર લખાયા ત્યાં સુધી કોઈ ભાળ મળી નથી.
તાજેતરના ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે વિશ્વામિત્રી તથા ઢાઢર નદીઓમાં મગરોની અવરજવર અતિશય વધી ગઈ છે અને મગરો માનવ વસાહતો તેમજ નવા વિસ્તારો તરફ આવી રહ્યા છે, જેના કારણે થોડા દિવસો અગાઉ દુમાડ હાઇવે પરથી પણ મગરનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી ચૂકી છે.
આ દુર્ઘટનાના પગલે સ્થાનિક ગ્રામજનો અને વન વિભાગ દ્વારા ચોમાસાની આ સિઝનમાં નદી, તળાવ કે પાણી ભરાયેલા વિસ્તારોની આસપાસ જતા સમયે વિશેષ સાવચેતી રાખવા તથા બાળકો પર કાળજી રાખવા માટે કડક અપીલ કરાઈ છે અને તંત્ર દ્વારા બાળકીને શોધવા માટેના તમામ પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
