News of Friday, 10th July 2026
સાબરકાંઠાના પોશીનામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 3 વર્ષની માસુમ બાળકીનું મોત: આરોગ્ય તંત્રમાં દોડધામ
હિંમતનગર સિવિલમાં સારવાર બાદ ઘરે પરત ફરેલી બાળકીએ દમ તોડ્યો:આ લક્ષણોથી જિલ્લામાં આ 4થું મોત: આરોગ્ય વિભાગ દ્વારા પોશીના વિસ્તારમાં સઘન હેલ્થ સર્વેક્ષણ કામગીરી શરૂ

સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારમાંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 3 વર્ષની એક માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. આ પંથકમાં ચાંદીપુરાના લક્ષણો સાથે મોતનો આ ચોથો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લાના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, પોશીના વિસ્તારની આ 3 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં જરૂરી સારવાર આપ્યા બાદ બાળકીને ઘરે લઈ જવામાં આવી હતી. જો કે, ઘરે પહોંચ્યા બાદ બાળકીની તબિયત ફરી લથડી હતી અને સારવાર બાદ અંતે તેનું ઘરે જ કરુણ મોત નીપજ્યું હતું. માસૂમ બાળકીના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ ગંભીર ઘટનાને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. વાયરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે પોશીના વિસ્તારમાં આરોગ્ય ટીમો દ્વારા સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા અન્ય બાળકોની ઓળખ કરવા અને લોકોને જાગૃત કરવા માટે દવાઓનો છંટકાવ તેમજ ડોર-ટુ-ડોર સ્ક્રીનિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં આ 4થા બાળકનું મોત થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. નિષ્ણાતોના મતે, આ વાયરસ ખાસ કરીને નાના બાળકોને વધુ નિશાન બનાવે છે અને રેતી માખી કરડવાથી ફેલાય છે. તંત્ર દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે જો બાળકમાં તીવ્ર તાવ, ઉલટી કે ખેંચ જેવા કોઈ પણ લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વિના નજીકના હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવો.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
