News of Friday, 1st May 2026
લખતરના મફતિયા પરામાં ધાબાના ભરણકામ દરમિયાન 44 વર્ષીય શ્રમિકનું લૂ લાગવાથી અને હાર્ટ અટેકથી કરુણ મોત
વિરમગામ તાલુકાના નાની કિશોલ ગામના કાનજીભાઈ જાદવ મજૂરી કામ કરતા હતા ત્યારે અચાનક એસિડિટી અને ગેસ જેવી અસ્વસ્થતા અનુભવાઈ

લખતરના મફતિયાપરા વિસ્તારના ગામમાં મકાનના ધાબાના ભરણકામ દરમિયાન એક 44 વર્ષીય શ્રમિકનું હીટસ્ટ્રોક અને હાર્ટ અટેકને કારણે કરુણ મોત નીપજ્યું છે. દિકરાનું મોત થતાં વૃદ્ધ દિવ્યાંગ માતા નિરાધાર બની છે.
મળતી જાણકારી અનુસાર લખતરના મફતિયાપરા વિસ્તારમાં સહયોગ વિદ્યાલય પાછળ પ્રવીણભાઈ ચાવડાના મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ કામમાં વિરમગામ તાલુકાના નાની કિશોલ ગામના કાનજીભાઈ મોહનભાઈ જાદવ મજૂરી કામ કરી રહ્યા હતા. કામ દરમિયાન તેમને અચાનક એસિડિટી અને ગેસ જેવી અસ્વસ્થતા અનુભવાતા તેઓ સારવાર માટે સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ દવા આપી રવાના કર્યા હતા, પરંતુ કામ પર પરત ફરતા જ અસહ્ય ગરમીને કારણે તેમને લૂ લાગી હતી અને બ્લડ પ્રેશર ઘટી જવાથી છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો.
ગંભીર હાલતમાં શ્રમિકને ફરીથી રહીશો દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ કમનસીબે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબી તપાસમાં સામે આવ્યું છે કે અતિશય ગરમીમાં કામ કરવાને કારણે લૂ લાગવાથી હૃદયરોગનો હુમલો આવતા શ્રમિકનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ ઘટનાએ સ્થાનિક સ્તરે શ્રમિકોની સુરક્ષા અને પ્રચંડ ગરમીમાં કામ કરવાના જોખમો વિશે ચિંતા જગાવી છે. મૃતકની પરિવારની વિગતો તપાસતા જાણવા મળ્યું કે, કાનજીભાઈ છેલ્લા ૨૦ વર્ષથી પિતાના અવસાન બાદ નાની કિશોલ ખાતે મામાના ઘરે રહેતા હતા. મૂળ પાટડી તાલુકાના બજાણા ગામના આ શ્રમિકના નિધનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ ઘટના પાછળની સૌથી કરુણ બાબત એ છે કે મૃતક કાનજીભાઈના પરિવારમાં હવે માત્ર તેમની વૃદ્ધ અને દિવ્યાંગ માતા જ બચી છે. ઘરમાં કમાનાર તેઓ એકમાત્ર વ્યક્તિ હતા અને તેમના પર જ ઘરનું આખું ગુજરાન ચાલતું હતું. એકના એક દીકરાના અકાળે અવસાનથી અપંગ માતા પર આભ ફાટી પડ્યું છે અને વૃદ્ધાવસ્થાના સહારે કાયમ માટે વિદાય લીધી છે. હોસ્પિટલની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પરિવારજનો દ્વારા શ્રમિકના મૃતદેહને અંતિમ વિધિ માટે મોટી કિશોલ લઈ જવામાં આવ્યો હતો. આ કિસ્સો ગરમીના દિવસોમાં શ્રમિક વર્ગની કપરી પરિસ્થિતિ અને કુદરતના પ્રકોપ સામે તેમની લાચારીને ઉજાગર કરે છે
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
