<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

અમદાવાદના ઘી કાંટા રોડ પર લોરિયાલના નામે નકલી કોસ્મેટિક સામગ્રી વેચવાનું મોટું નેટવર્ક ઝડપાયું :બે આરોપીઓની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચની એસઓજી ટીમે બાતમીના આધારે ધી કાંટા રોડ પર આવેલી બે જાણીતી દુકાનોમાં દરોડા પાડ્યા:બે વેપારીઓની ધરપકડ કરી રૂ. 6.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદ શહેરમાં જાણીતી લોરીયલ કંપનીના નામે ડુપ્લિકેટ અને નકલી કોસ્મેટિક સામગ્રી વેચવાનું મોટું નેટવર્ક પકડાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એસઓજી ટીમે બાતમીના આધારે ધી કાંટા રોડ પર આવેલી બે જાણીતી દુકાનોમાં દરોડા પાડ્યા હતા. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન પોલીસે બે વેપારીઓની ધરપકડ કરી રૂ. 6.90 લાખનો મુદ્દામાલ કબજે કરી કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

 

પોલીસ સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, બ્રાન્ડેડ કોસ્મેટિક બનાવતી લોરીયલ કંપનીના અધિકૃત પ્રતિનિધિ દ્વારા અમદાવાદ પોલીસને ચોક્કસ માહિતી આપવામાં આવી હતી. આ માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે શહેરના ધી કાંટા રોડ વિસ્તારમાં આવેલી દુકાનોમાં બ્રાન્ડના નામે ગેરકાયદેસર રીતે નકલી સામાનનું વેચાણ થઈ રહ્યું છે. 

 

આ બાતમી મળતાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એસઓજીની ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને દરોડાની યોજના બનાવી હતી. ત્યારબાદ પોલીસ ટીમે ધી કાંટા રોડ સ્થિત માય બ્યુટી સેન્ટર તેમજ લક્ષ્મી બ્યુટી શોપ નામની બે દુકાનોમાં આકસ્મિક રીતે તપાસ હાથ ધરી હતી

 

આ સઘન સર્ચ ઓપરેશન દરમિયાન બંને દુકાનોમાંથી મોટા પાયે શંકાસ્પદ કોસ્મેટિક સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં ત્યાંથી લોરીયલ કંપનીના નામે વેચવામાં આવતા શેમ્પૂ, સીરમ, સ્કીન ક્રીમ અને હેરકલર સહિતની બનાવટી ચીજવસ્તુઓ મળી આવી હતી. પોલીસ દ્વારા સ્થળ પરથી નકલી કોસ્મેટિકની બોટલો, ડબ્બા, પેકેટ અને પાઉચ સહિત કુલ 1,221 જેટલી વિવિધ પ્રોડક્ટ્સ કાયદેસર રીતે જપ્ત કરવામાં આવી હતી. આ તમામ જપ્ત કરાયેલા મુદ્દામાલની બજાર કિંમત રૂ. 6,90,222 જેટલી આંકવામાં આવી છે. ગ્રાહકો સાથે બ્રાન્ડના નામે થતી આ છેતરપિંડી અંગે પોલીસે ગંભીર નોંધ લીધી હતી.

આ ગેરકાયદે કૃત્યમાં સંડોવાયેલા યશ ઠક્કર અને રીષભ અગ્રવાલ નામના બે વેપારીઓની પોલીસે તાત્કાલિક અટકાયત કરી હતી. પકડાયેલા બંને શખ્સો વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડનું પગેરું શોધવા માટે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે વધુ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. 

 

(7:51 PM IST)