<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ગાંધીનગર જિલ્લાના સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક 13 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા

ગાંધીનગર જિલ્લા પંચાયતની 3 બેઠકો પર ભાજપનો બિનહરીફ: માણસા તાલુકા પંચાયતમાં સૌથી વધુ 6 બેઠકો ચૂંટણી વગર અંકે કરી: કલોલ નગરપાલિકામાં 4 બેઠકો પર વિરોધ પક્ષોએ મેદાન છોડ્યું:દહેગામમાં એકપણ ફોર્મ પરત ન ખેંચાતા તમામ બેઠકો પર જંગ જામશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ગાંધીનગર જિલ્લામાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર અનેક ઉમેદવારોએ પોતાના નામાંકન પરત ખેંચતા જિલ્લાની સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ગઈ છે. સમગ્ર જિલ્લામાં કુલ 13 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થવા પામી છે.

વિગતવાર માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 3 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ થયા છે. અહીં 11 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા હતા. સૌથી વધુ આશ્ચર્યજનક પરિણામ માણસા તાલુકામાં જોવા મળ્યું છે, જ્યાં માણસા તાલુકા પંચાયતની 6 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. અહીં કુલ 19 ઉમેદવારોએ મેદાન છોડ્યું હતું. બીજી તરફ, કલોલ તાલુકા પંચાયતમાં 7 ફોર્મ પરત ખેંચાયા છે, જ્યારે કલોલ નગરપાલિકામાં 6 ઉમેદવારોએ નામ પાછા ખેંચતા ભાજપની 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે

જોકે, દહેગામ તાલુકા પંચાયતમાં ચિત્ર અલગ જોવા મળ્યું છે, કારણ કે ત્યાં એકપણ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું નથી, જેનો અર્થ છે કે ત્યાં તમામ બેઠકો પર ખરાખરીનો જંગ ખેલાશે. મોડી રાત સુધીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલના તબક્કે અનેક બેઠકો બિનહરીફ થતા ભારતીય જનતા પાર્ટી માટે જીતના સંકેતો મજબૂત બન્યા છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષો માટે બાકીની બેઠકો પર પ્રતિષ્ઠા બચાવવાનો મોટો પડકાર છે. .

(11:09 PM IST)