તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
સેલંબા ગામે અંબિકા નદી પર આચાર સંહિતા વચ્ચે કરવામાં આવી રહી છે પૂલની કામગીરી
કોઇપણ જાતની પરમિશન લીધી ન હોવાનું જણાવી મામલો ગ્રામ પંચાયત કચેરી પર ઢોળી દેતા મામલતદાર:સરકારી મિલકત ઉપર ખાનગી પુલનું કામ છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહ્યું છે ત્યારે કોઈ રોકટોક કેમ નહિ ?

( ભરત શાહ દ્વારા )નર્મદા :સાગબારા તાલુકાના સેલંબા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે અંબિકા નદીના પટમાં પૂલની કામગીરી ચાલતી હોવાની ઘટનાએ ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાનો અમલ લાગુ કરવામાં આવ્યો હોવા છતાં વિકાસ કામો ચાલુ રહેતા સ્થાનિક લોકો અને રાજકીય વર્તુળોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ સેલંબા ગામમાં અંબિકા નદીના પટમાં પૂલ નિર્માણનું કામ છેલ્લા થોડા સમયથી ચાલી રહ્યું છે. પરંતુ ચૂંટણી જાહેર થયા બાદ અને આચાર સંહિતા લાગુ થયા પછી પણ આ કામગીરી બંધ ન થતાં ગામલોકોમાં શંકા ઊભી થઈ છે કે આ કામ ખરેખર ખાનગી છે કે સરકારી ગ્રાન્ટથી કરવામાં આવી રહ્યું છે.
આ મુદ્દે સ્થાનિક આગેવાન તથા નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આકાશ તડવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ કામગીરી સંપૂર્ણપણે ખાનગી છે અને તેનો સરકાર અથવા જાહેર નાણાં સાથે કોઈ સંબંધ નથી. તેઓએ વધુમાં કહ્યું કે વ્યક્તિગત સ્તરે ગામના હિતમાં કામ કરવામાં આવી રહ્યું છે, જેને રાજકીય દ્રષ્ટિએ જોવું યોગ્ય નથી.
પરંતુ બીજી તરફ ગામના કેટલાક જાગૃત નાગરિકો આ દાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જો આ કામ ખાનગી છે તો તેની સંપૂર્ણ માહિતી જાહેર થવી જોઈએ, જેમાં ખર્ચ, મંજૂરી અને જમીન સંબંધિત વિગતોનો સમાવેશ થાય કારણ કે અહીં નદી ઉપર પુલ બની રહ્યો છે અને નદી સરકાર હસ્તક આવતી હોય છે નહીં કે ખાનગી માલિકીની. તેમજ જો સરકારી ફંડથી કામ થઈ રહ્યું હોય તો આચાર સંહિતાના ભંગનો મુદ્દો ગંભીર બની શકે છે. ચૂંટણી પંચના નિયમો મુજબ આચાર સંહિતા લાગુ થયા પછી નવા જાહેર કામોની જાહેરાત અથવા અમલ પર પ્રતિબંધ હોય છે. જો કોઈ કામ પહેલેથી મંજૂર અને ચાલુ હોય તો પણ તેની પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોનું પાલન જરૂરી બને છે. આવી સ્થિતિમાં સેલંબા ગામની અંબિકા નદીના પટમાં ચાલતી પુલની કામગીરી અંગે અધિકારીઓ દ્વારા સ્પષ્ટતા કરવી જરૂરી બની છે.કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા આ પુલ બાબતે કોણ જવાબદાર ? કારણ કે જિલ્લા પંચાયત બાંધકામ કચેરીના ડે. એ.અને સાગબારા તાલુકા મામલતદાર બંને એ આ બાબતે પોતાના હાથ ખંખેરી લીધા છે. અને આ સમગ્ર પ્રકરણ માંથી છટકી જવા પ્રયત્ન કર્યો છે.
સ્થાનિક સ્તરે ચર્ચા એ પણ ચાલી રહી છે કે આ મુદ્દે જિલ્લા પ્રશાસન અને ચૂંટણી અધિકારીઓએ સ્થળ પર જઈ તપાસ કરવી જોઈએ જેથી સત્ય બહાર આવી શકે. જો નિયમોનો ભંગ થયો હોય તો યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે, નહીં તો લોકોનો વિશ્વાસ તંત્ર પર થી ઓછો થઈ શકે છે.ત્યારે સવાલ એ પણ બને છે કે જો આ પુલ ખાનગી ધોરણે બનાવવામાં આવી રહ્યો છે તો આના માટે તેમાં કોના છુપા આશીર્વાદ ? આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન ઉભો કર્યો છે કે ચૂંટણી દરમિયાન વિકાસ કાર્યોને લઈને પારદર્શિતા કેટલી જરૂરી છે. સેલંબા ગામનો આ મુદ્દો હવે રાજકીય ચર્ચાનો કેન્દ્ર બન્યો છે અને આવનારા દિવસોમાં તંત્ર તરફથી શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે.
આ બાબતે સાગબારા તાલુકા મામલતદાર મકવાણા નો ટેલિફોનિક સંપર્ક સાધી પૃચ્છા કરતા જણાવ્યું હતું કે આ પુલનું કામ ખાનગી ધોરણે કરવામાં આવી રહ્યું છે. અત્રેની કચેરીએથી કોઇપણ જાતની પરમિશન લીધી નથી.આ બાબતે સેલંબા ગ્રામ પંચાયત ને જાણ કરી પુલનું કામ બંધ કરવા નોટિસ આપવા જણાવેલ છે.ત્યારે આજેપણ પુલની કામગીરી ચાલુ હોવા બાબતે પૃચ્છા કરતા તેઓએ સમગ્ર મામલો સેલંબા ગ્રામ પંચાયત કચેરી ઉપર ધોળી દઈ છટકી જવા પ્રયાસ કર્યો હતો. અને વધુ વિગતો માટે સાગબારા ટીડીઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આ બાબતે જિલ્લા પંચાયતના બાંધકામ શાખા ડેડીયાપાડા કચેરીના ડે. એ.રોય સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અમારા કાર્યક્ષેત્રમાં આવતું નથી ,મામલતદાર કચેરી સાગબારામાં આ આવે છે કહી તેઓએ પણ છટકી જવા પ્રયત્ન કર્યો હતો.તો સવાલ એ ઉભો થાય છે કે નદી નાળાઓ પર સરકાર પુલો, નાળાઓ બનાવે છે તો ત્યારે બાંધકામ શાખા ના કાર્યક્ષેત્રમાં નથી આવતા ?
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
