<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

સિંગતેલનો ડબ્‍બો રૂ.૩,૧૫૦એ પહોંચ્‍યોઃ ૨૦૨૫ કરતા ૬૦૦ રૂપિયા મોંઘો!

ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્‍ય પરિવારો માટે વધુ એક ચિંતાજનક સમાચાર : રસોડામાં દરરોજ વપરાતા સિંગતેલના ભાવમાં ફરી વધારો થયોઃ માત્ર બે દિવસમાં ૧૫ કિલોના ડબ્‍બાએ રૂ.૪૦નો વધારોઃ સરકારની ભૂમિકા સામે પણ સવાલો

અમદાવાદ,તા.૧૮:રાજ્‍યમાં સિંગતેલના ભાવને લઈને ફરી એકવાર એવી સ્‍થિતિ સર્જાઈ છે કે સામાન્‍ય પરિવારોના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. એક તરફ દૂધ, અનાજ અને કઠોળ જેવી જીવનજરૂરિયાતની વસ્‍તુઓના ભાવ પહેલેથી જ ઊંચા છે, ત્‍યારે હવે રસોડામાં સૌથી વધુ વપરાતા સિગતેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં  સિંગતેલના ૧૫ કિલોના ડબ્‍બામાં વધુ રૂ.૨૦નો વધારો ઝીંકવામાં આવ્‍યો છે. આ સાથે છેલ્‍લા બે દિવસમાં ડબ્‍બાદીઠ કુલ રૂ.૪૦નો વધારો થયો છે. પરિણામે સિગતેલના એક ડબ્‍બાનો ભાવ વધીને રૂ.૩૧૫૦ થઈ ગયો છે, જ્‍યારે બ્રાન્‍ડેડ સિંગતેલના ભાવ રૂ.૩૨૦૦ની આસપાસ પહોંચી ગયા છે.

ચિંતાની વાત એ છે કે સિગતેલની નવી સીઝન શરૂ થઈ હોવા છતાં લોકોને રાહત મળવાને બદલે મોંઘા ભાવે તેલ ખરીદવાની ફરજ પડી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સિગતેલનો ૧૫ કિલોનો ડબ્‍બો રૂ.૬૦૦ જેટલો મોંઘો થઈ ગયો છે. ગુજરાતમાં સૌથી વધુ ઉત્‍પાદન થતું સ્‍થાનિક તેલ હોવા છતાં સામાન્‍ય ગ્રાહકોને ઊંચા ભાવ ચૂકવવા પડી રહ્યા છે. ખાસ કરીને મધ્‍યમ અને ગરીબ પરિવારો માટે આ વધારો મુશ્‍કેલી વધારી રહ્યો છે. રોજિદા વપરાશની વસ્‍તુમાં આટલો મોટો ભાવ વધારો થતાં ઘરખર્ચનું ગણિત પણ બગડી રહ્યું છે.

સામાન્‍ય રીતે સિંગતેલના ભાવ વધવા પાછળ મગફળીના ઓછા ઉત્‍પાદન, માંગમાં વધારો અથવા બજારમાં આવક ઘટવા જેવા કારણો જવાબદાર હોય છે. જોકે, આ વખતે ઉપલબ્‍ધ પરિસ્‍થિતિમાં ભાવ વધારાને યોગ્‍ય ઠેરવે તેવાં સ્‍પષ્ટ કારણો દેખાતાં નથી. સરકારી અંદાજ મુજબ ચાલુ વર્ષે ગુજરાતમાં આશરે ૫૦ લાખ ટન મગફળીનું ઉત્‍પાદન થયું છે, જે સામાન્‍ય પાક દર્શાવે છે. બીજી તરફ સિગતેલની માંગ પણ સ્‍થિર છે અને તેમાં કોઈ નોંધપાત્ર અચાનક વધારો થયો નથી. સૌરાષ્ટ્રમાં તેલમિલો શરૂ થઈ ગઈ છે અને મગફળીનું પીલાણ પણ શરૂ થઈ ચૂક્‍યું છે. બજારો અને યાર્ડમાં મગફળીની પર્યાપ્ત આવક થઈ રહી છે. આમ છતાં સિગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ ઉપરાંત અન્‍ય તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. દિવાળી બાદ કપાસિયા તેલના ભાવમાં રૂ.૮૦ અને પામતેલના ભાવમાં રૂ.૬૦નો ઘટાડો થયો છે. તેમ છતાં સિગતેલના ભાવમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. હાલ કપાસિયા તેલ અને સિગતેલના ૧૫ કિલોના ડબ્‍બા વચ્‍ચેનો ભાવ તફાવત વધીને રૂ.૬૩૦ સુધી પહોંચી ગયો છે. અગાઉ આ તફાવત આશરે રૂ.૧૦૦ની આસપાસ રહેતો હતો. અન્‍ય ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હોય ત્‍યારે સિગતેલના ભાવમાં વધારો થવાને કારણે ગ્રાહકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

સિંગતેલના ભાવમાં સતત થઈ રહેલા વધારા વચ્‍ચે સરકારની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ભાવને વાજબી સપાટીએ જાળવવા માટે સરકાર કે ભાજપના નેતાઓ તરફથી કોઈ ખાસ કાર્યવાહી કે નિવેદન સામે ન આવતાં લોકોમાં નારાજગી છે. બીજી તરફ વિરોધપક્ષના નેતાઓ પણ મુખ્‍યમંત્રી પદ સહિતના રાજકીય વિવાદો પર નિવેદનો આપતા જોવા મળે છે, પરંતુ સામાન્‍ય લોકોના રસોડાને અસર કરતા સિગતેલના ભાવ વધારા મુદ્દે મૌન સેવી રહ્યા હોવાની ચર્ચા છે.

સૌથી વધુ મુશ્‍કેલી સામાન્‍ય અને મધ્‍યમ વર્ગના પરિવારોને થઈ રહી છે. એક તરફ દૂધ, અનાજ અને કઠોળ મોંઘાં થઈ રહ્યાં છે, તો બીજી તરફ સિગતેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ એક ડબ્‍બાએ રૂ.૬૦૦ વધુ ચૂકવવા પડતાં પરિવારોના માસિક બજેટ પર સીધી અસર પડી રહી છે. હવે સિંગતેલના ભાવમાં વધુ વધારો થશે કે ગ્રાહકોને રાહત મળશે તે જોવાનું રહેશે. હાલ તો સતત વધતી મોંઘવારી વચ્‍ચે સામાન્‍ય પરિવારો મોંઘા ભાવે સિંગતેલ ખરીદવા મજબૂર બન્‍યા છે.

(1:23 PM IST)