<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

વડોદરાની એમ. એસ. યુનિવર્સીટી કેમ્પસમાં બેફામ સ્પીડમાં કાર હંકારી જોખમી સ્ટન્ટ કરાતાં ચકચાર

વીડિયો વાયરલ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો:કેમ્પસની અંદર બહારના વાહનોના આવા આતંકને પગલે યુનિવર્સિટીની સિક્યોરિટી અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા

વડોદરાની પ્રખ્યાત એમ. એસ. યુનિવર્સિટી કેમ્પસમાં એક કાર ચાલક દ્વારા નિયમોને નેવે મૂકીને અત્યંત સ્પીડમાં અને બેફામ રીતે કાર હંકારીને જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હોવાનો સળગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. યુનિવર્સિટી કેમ્પસની અંદર જ સ્કૂલ આવેલી હોવા છતાં આ કાર ચાલકે ભયજનક અદામાં પૂરપાટ ઝડપે વાહન દોડાવીને માસૂમ વિદ્યાર્થીઓ તેમજ ત્યાં હાજર અન્ય લોકોના જીવ પણ ભારે જોખમમાં મૂક્યા હતા. 

આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે અને કેમ્પસની અંદર બહારના વાહનોના આવા આતંકને પગલે યુનિવર્સિટીની સિક્યોરિટી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શૈક્ષણિક સંકુલની ગરિમા અને વિદ્યાર્થીઓની સુરક્ષાને જોખમાવનારા આ બેફામ કાર ચાલકને વહેલી તકે શોધીને તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.

(1:00 AM IST)