News of Saturday, 5th September 2026
દાહોદના દેવગઢ બારીઆ નજીક દિલ્હી-મુંબઈ હાઈવે પર દારૂ ભરેલી કાર રેલિંગ તોડી નીચે ખાબકી: કાર ચાલક ફરાર
ઘટનાસ્થળે પહોંચેલી પીપલોદ પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી:કાર સહિત કુલ 8.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત : ફરાર ચાલકની શોધખોળ

દાહોદના દેવગઢ બારીઆ ગામ નજીક દિલ્હી-મુંબઈ હાઈવે પર દારૂ ભરેલી કારનો અકસ્માત સર્જાયો હતો. દારૂનો જથ્થો લઈ જઈ રહેલી કાર અચાનક બેકાબૂ બની હાઈવેની રેલિંગ તોડી નીચે ખાબકી હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો હતો.
અકસ્મતગ્રસ્ત કારની તપાસ દરમિયાન તેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. અકસ્માત બાદ કારને ઘટનાસ્થળે જ છોડીને ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર તથા તેમાં રહેલા દારૂના જથ્થાની તપાસ હાથ ધરી હતી.
ઘટનાની જાણ થતાં પીપલોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત કારને કબજામાં લઈ તપાસ શરૂ કરી હતી. કારમાંથી મળી આવેલા વિદેશી દારૂના જથ્થાને પણ પોલીસે જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં કારનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો હોવાની વિગતો સામે આવી છે.
પીપલોદ પોલીસે વિદેશી દારૂ અને અકસ્માતગ્રસ્ત કાર સહિત કુલ 8.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સમગ્ર મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી હેઠળ લઈ આગળની તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને કારમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
મળતી જાણકારી અનુસાર અકસ્મત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા કારના નંબર અને અન્ય વિગતોના આધારે ફરાર ચાલક સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. દારૂનો જથ્થો ક્યાં લઈ જવાઈ રહ્યો હતો અને આ હેરાફેરી પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
